જાપાનના નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતે અત્યાર સુધીમાં 6 મેડલ જીત્યા છે. આમાંથી 5 મેડલ શૂટર્સે અપાવ્યા છે, જ્યારે એક મેડલ મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA)માં સૂચિકા તરિયાલે જીત્યો છે.
સોમવારે પુરુષોની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં હિમાંશુ ઢિલ્લોએ 252.4 અંક સાથે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે રુદ્રાંશ પાટિલે 230.9 અંક સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ચીનના શેંગ લિહાઓએ 254.2 અંક સાથે ગોલ્ડ જીત્યો.
સૂચિકા તરિયાલે એશિયન ગેમ્સમાં ભારત માટે MMAમાં મેડલ જીતનારી પ્રથમ ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો છે. તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો.
આ ઉપરાંત ભારતની પુરુષ કબડ્ડી ટીમે પોતાની પ્રથમ મેચ જાપાન સામે 49-24થી જીતી લીધી છે.
આજે એશિયન ગેમ્સનો ત્રીજો દિવસ છે, જેમાં 11 અલગ-અલગ રમતોમાં ભારતીય ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે. કબડ્ડી, શૂટિંગ અને વુશુમાં ભારતીય ખેલાડીઓ પોતાની ક્ષમતા દર્શાવશે. અત્યાર સુધી ભારત માટે પ્રથમ મેડલ શૂટિંગની 10 મીટર એર રાઈફલ મહિલા સ્પર્ધામાં આવ્યો હતો, ત્યારબાદ ઈલાવેનિલ વલારિવને વ્યક્તિગત સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.