એશિયન ગેમ્સ 2026ના પહેલા દિવસે ભારતે બે સિલ્વર મેડલ જીતી લીધા છે. અમદાવાદની શૂટર એલાવેનિલ વલારિવને મહિલા 10 મીટર એર રાઇફલમાં સિલ્વર મેડલ જીત્યો, જ્યારે સુચિકા તરિયાલે મિક્સ્ડ માર્શલ આર્ટ્સની -60 કિગ્રા કેટેગરીમાં મેડલ પાક્કો કર્યો.
એલાવેનિલ વલારિવન મહિલા 10 મીટર એર રાઇફલ ફાઇનલમાં શરૂઆતથી જ આગળ હતી અને 21 શોટ સુધી ગોલ્ડની દાવેદાર રહી. 22મા શોટ બાદ તે 231.9 પોઈન્ટ સાથે બીજા સ્થાને આવી ગઈ, જ્યારે જાપાનની હિનાતા તાઇચી 232.2 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને હતી. છેલ્લા શોટમાં એલાવેનિલે 10.1 પોઈન્ટ મેળવ્યા, જ્યારે હિનાતાએ 10.2 પોઈન્ટ મેળવીને ગોલ્ડ જીત્યો. આમ, એલાવેનિલ માત્ર 0.6 પોઈન્ટથી ગોલ્ડ ચૂકી ગઈ.
એલાવેનિલ મૂળ તમિલનાડુની છે, પણ તેનો ઉછેર અને રમતગમતની શરૂઆત અમદાવાદમાં થઈ છે. 27 વર્ષની એલાવેનિલે 252.4 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો.
એ જ રીતે, ટીમ ઇવેન્ટમાં ભારતીય મહિલા ટીમે 1898.0 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો. આ ટીમમાં એલાવેનિલ, સોનમ મસ્કર અને વિદરશા વિનોદ સામેલ હતી. સોનમ મસ્કર વ્યક્તિગત ફાઇનલમાં 167.0 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને રહી.
મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં સુચિકા તરિયાલે પરંપરાગત કેટેગરી (-60 કિગ્રા)ની સેમિફાઇનલમાં પ્રવેશ કરીને ઓછામાં ઓછો કાંસ્ય મેડલ પાક્કો કર્યો. તેણે મંગોલિયાની અલ્તનચિમેગ બૈગલમાને 2-0થી હરાવી. ક્વાર્ટર ફાઇનલમાં પણ તે વિજયી રહી.
અન્ય ઇવેન્ટમાં, ભારતીય મહિલા બેડમિન્ટન ટીમે કઝાકિસ્તાનને 3-0થી હરાવ્યું. તન્વી શર્માએ ડાયના નામેનોવાને 21-5, 21-10થી હરાવી, જ્યારે ઉન્નતિ હુડ્ડાએ અલીસા કુલેશોવાને 21-7, 21-10થી અને પીવી સિંધુએ કામીલા સ્માગુલોવાને 21-7, 21-9થી હરાવી.
મહિલા હોકીમાં ભારતે ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યું. દીપિકાએ 8 ગોલ કરીને એક મેચમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ બનાવ્યો.
ટેબલ ટેનિસમાં ભારતીય પુરુષ ટીમે ઇન્ડોનેશિયાને 3-0થી હરાવ્યું. જી. સાથિયને એમ. નેગારાને 3-0થી, માનવ ઠક્કરે એમ. જુનિન્દ્રાને 3-2થી અને મનુષ શાહે 3-0થી જીત મેળવી.
દરમિયાન, એક ચિંતાજનક ઘટનામાં, એશિયાડમાં ભાગ લેવા ગયેલો ભારતીય MMA ફાઇટર વરુણ સાન્યાલ વજન ઘટાડવા માટે સોના બાથ લેતા બેભાન થઈ ગયો. તેને મેડિકલ અનફિટ જાહેર કરવામાં આવ્યો. વરુણ 77 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઇનલ રમવાનો હતો. એક નેપાળી ખેલાડીએ તેને મદદ કરી અને મેડિકલ ટીમ સુધી પહોંચાડ્યો.
મેડલ ટેબલમાં ભારત છઠ્ઠા સ્થાને છે. યજમાન જાપાન 3 ગોલ્ડ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ચીન 2 ગોલ્ડ સહિત કુલ 7 મેડલ સાથે બીજા સ્થાને છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને 114 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફાઇનલ 22 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે રમાશે.