એશિયન ગેમ્સ 2026ની પુરુષ ક્રિકેટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. આ મેચને લઈને ચાહકોમાં ઉત્સાહ છે, પરંતુ સાથે સાથે એક સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે: શું મેચ પછી ભારતીય ક્રિકેટરો પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે? છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દે ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ કે એશિયન ગેમ્સમાં હાથ મિલાવવાનો નિયમ શું કહે છે.
ભારતીય ટીમે સેમિફાઇનલમાં શ્રીલંકાને 124 રનથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે શનિવારે ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન આમને-સામને આવશે. આ મેચમાં માત્ર રમત જ નહીં, પણ મેદાનની બહારની ઘટનાઓ પણ ચર્ચામાં રહેવાની શક્યતા છે.
ગયા વર્ષે ઓપરેશન સિંદૂર બાદ ભારતીય ક્રિકેટરોએ ICC અને એશિયન ક્રિકેટ કાઉન્સિલની ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. હવે એશિયન ગેમ્સમાં આ ચાલુ રહેશે કે કેમ તે જોવાનું બાકી છે.
એશિયન ગેમ્સમાં ભારતીય ટીમ એક સંયુક્ત ટીમ તરીકે ભાગ લે છે. ક્રિકેટ ટીમ અલગથી નહીં, પણ સમગ્ર ભારતીય ટુકડીનો ભાગ છે. તેથી બધા ખેલાડીઓ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના ધ્વજ હેઠળ મેદાનમાં ઉતરે છે. અહીં ટીમ ઇન્ડિયા સીધી રીતે BCCIનું પ્રતિનિધિત્વ કરતી નથી. આ કારણે બંને દેશોના ખેલાડીઓ હાથ મિલાવતા જોઈ શકાય છે.
ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA) અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના નિયમો અનુસાર, મેચ પછી વિરોધી ટીમના ખેલાડી સાથે હાથ મિલાવવો ફરજિયાત નથી, પરંતુ તે ખેલદિલી અને ન્યાયી રમતની પરંપરાનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. જોકે એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ અન્ય રમતોમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો હતો. ટેબલ ટેનિસ અને સ્ક્વોશમાં ભારતીય ખેલાડીઓએ મેચ પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો હતો.