સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: ભારત-પાકિસ્તાન મેચ 3 ઓક્ટોબરે શક્ય, જાણો કેવી રીતે

એશિયન ગેમ્સ 2026: ભારત-પાકિસ્તાન મેચ 3 ઓક્ટોબરે શક્ય, જાણો કેવી રીતે

જાપાનના આઈચી-નાગોયા ખાતે ચાલી રહેલી 20મી એશિયન ગેમ્સમાં 24 સપ્ટેમ્બરથી પુરુષ ક્રિકેટ સ્પર્ધા શરૂ થશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમો મેડલ માટે ભાગ લેશે. એશિયન ગેમ્સના ઇતિહાસમાં ક્રિકેટને ચોથી વખત સ્થાન મળ્યું છે.

આંતરરાષ્ટ્રીય રેન્કિંગના આધારે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને સીધી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે. અફઘાનિસ્તાને પૂર્ણ સભ્ય ટીમ તરીકે મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવ્યું છે. જૂન મહિનામાં યોજાયેલા ક્વોલિફાયર દ્વારા હોંગકોંગ, મલેશિયા, નેપાળ અને ઓમાને મુખ્ય ડ્રો માટે ક્વોલિફાય કર્યું હતું, જ્યારે યજમાન જાપાનને સીધો પ્રવેશ મળ્યો છે.

ટૂર્નામેન્ટનું ફોર્મેટ બે તબક્કામાં વહેંચાયેલું છે. નીચલા ક્રમની 6 ટીમો – જાપાન, અફઘાનિસ્તાન, નેપાળ, ઓમાન, મલેશિયા અને હોંગકોંગ –ને 3-3 ટીમોના બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. સિંગલ રાઉન્ડ-રોબિન પછી બંને ગ્રૂપમાંથી ટોપ-2 ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે. આ 4 ટીમોનો મુકાબલો સીધી એન્ટ્રી મેળવનાર ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે થશે. ત્યારબાદ સેમિફાઇનલ અને મેડલ મેચ રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ગ્રૂપ સ્ટેજ કે પ્રારંભિક ક્વાર્ટર ફાઇનલમાં શક્ય નથી, કારણ કે બંને ટીમો અલગ-અલગ બ્રેકેટમાં સીધી ક્વાર્ટર ફાઇનલમાં છે. બંને વચ્ચે ટક્કર માત્ર નોકઆઉટ સ્ટેજમાં જ થઈ શકે છે. જો ભારત અને પાકિસ્તાન બંને પોતાની ક્વાર્ટર ફાઇનલ અને સેમિફાઇનલ જીતી લે, તો 3 ઓક્ટોબરે ગોલ્ડ મેડલ મેચમાં આમને-સામને ટકરાશે. જો બંને સેમિફાઇનલમાં હારી જાય, તો પણ 3 ઓક્ટોબરે જ બ્રોન્ઝ મેડલ મેચમાં ભારત-પાકિસ્તાન મુકાબલો શક્ય છે.

ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં યજમાન જાપાન અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થશે. ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટો સવાલ એ છે કે શું ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ જોવા મળશે, જેનો જવાબ મેડલ રાઉન્ડમાં જ મળશે.