સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સમાં મનુ ભાકર અને તજિંદરપાલ સિંહ ભારતના ધ્વજવાહક, 503 ખેલાડીઓ ભાગ લેશે

એશિયન ગેમ્સમાં મનુ ભાકર અને તજિંદરપાલ સિંહ ભારતના ધ્વજવાહક, 503 ખેલાડીઓ ભાગ લેશે

નાગોયામાં શનિવારે 2026 એશિયન ગેમ્સની ઉદ્ઘાટન સેરેમની યોજાશે. ભારતીય દળના ધ્વજવાહક તરીકે બે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મનુ ભાકર અને બે વખતના એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ વિજેતા તજિંદરપાલ સિંહ તૂર ભારતનું નેતૃત્વ કરશે. આ સેરેમની નાગોયાના પાલોમા મિઝુહો સ્ટેડિયમમાં યોજાશે.

ભારતે આ વખતે એશિયન ગેમ્સ માટે 503 ખેલાડીઓનું દળ મોકલ્યું છે. જેમાં 269 પુરુષ અને 234 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેમણે મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ અને સરબજોત સિંહ સાથે 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં મેડલ મેળવ્યો હતો. તેઓ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર ભારતના પ્રથમ ખેલાડી બન્યા હતા.

મનુએ 2018 કોમનવેલ્થ ગેમ્સમાં 10 મીટર એર પિસ્ટલમાં ગોલ્ડ, 2018 યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ અને 2018 ISSF વર્લ્ડ કપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે 2022 એશિયન ગેમ્સમાં 25 મીટર પિસ્ટલ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ અને 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 25 મીટર પિસ્ટલ ટીમ ઇવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ ઉપરાંત તેમને 2020માં અર્જુન અવોર્ડ અને 2025માં ખેલ રત્ન અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તજિંદરપાલ સિંહ તૂરે એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ ઉપરાંત તેમણે એશિયન ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ અને 1 સિલ્વર, જ્યારે એશિયન ઇન્ડોર ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા છે. તૂરના નામે 21.77 મીટરનો રાષ્ટ્રીય અને એશિયન રેકોર્ડ પણ નોંધાયેલો છે. તેમણે 2018ની જકાર્તા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા સાથે ગેમ્સ રેકોર્ડ બનાવ્યો હતો.

ભારતીય દળમાં શરૂઆતમાં 492 ખેલાડીઓ સામેલ હતા. અંતિમ સમયે ચાર સર્ફર, છ એથ્લેટ અને એક મિક્સ્ડ માર્શલ આર્ટ્સ ફાઇટરને ઉમેરવામાં આવ્યા. ખેલાડીઓ સાથે 265 સભ્યોનું સપોર્ટ ગ્રુપ પણ છે. તેમાં 246 કોચ અને સપોર્ટ સ્ટાફ સામેલ છે. સપોર્ટ ગ્રુપમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના 19 દળ અધિકારીઓ પણ છે.

ભારતે અગાઉની એશિયન ગેમ્સની સરખામણીમાં આ વખતે નાનું દળ મોકલ્યું છે. 2022માં ચીનના હાંગઝોઉમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતના 661 ખેલાડીઓ સામેલ થયા હતા. તેમાં 333 પુરુષો અને 328 મહિલાઓ હતી.

હાંગઝોઉ એશિયન ગેમ્સ ભારત માટે અત્યાર સુધીનું સૌથી સફળ સંસ્કરણ રહ્યું. ભારતે પહેલી વાર એક જ એશિયન ગેમ્સમાં 100થી વધુ મેડલ જીત્યા હતા. ટીમે કુલ 107 મેડલ પોતાના નામે કર્યા, જેમાં 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.