જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ક્રિકેટ ટીમની તૈયારીઓ ચાલી રહી છે. 24 સપ્ટેમ્બરથી શરૂ થનારી મેન્સ T20 ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. જોકે, મુખ્ય કોચ ગૌતમ ગંભીર ટીમ સાથે જાપાન જશે નહીં, કારણ કે તેમને વેસ્ટ ઈન્ડિઝ સામેની મલ્ટી-ફોર્મેટ સીરિઝ માટેની મુખ્ય ટીમ સાથે રહેવાનું છે. ગંભીરની ગેરહાજરીમાં પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ હેડ કોચ તરીકે જવાબદારી સંભાળશે.
પીટીઆઈના અહેવાલ મુજબ, લક્ષ્મણ સાથે સુનીલ જોશી, ઋષિકેશ કાનિટકર અને શુભદીપ ઘોષ સપોર્ટ સ્ટાફમાં સામેલ થશે. મારુફ ફજંદર સપોર્ટ સ્ટાફ લીડર હશે. ભારતીય ટીમને સારી રેન્કિંગના કારણે ગ્રુપ સ્ટેજના મુકાબલા નહીં રમવા પડે, સીધો જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે. આ ટુર્નામેન્ટમાં ભારતની પ્રથમ મેચ ક્વાર્ટર ફાઇનલ હશે.
ટીમમાં શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીઓ છે. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી પર ખાસ નજર રહેશે, જેણે ઘરેલુ ક્રિકેટ અને IPLમાં પોતાની તોફાની બેટિંગથી ચર્ચા મેળવી છે.
આ ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું સારું મિશ્રણ છે. આ જ કારણે ટુર્નામેન્ટ પહેલા જ ભારતને ગોલ્ડ મેડલનો પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ સીધા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે, પરંતુ ભારતની ટીમ પ્રબળ દેખાઈ રહી છે.