સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: ટીમ ઈન્ડિયાની નોકઆઉટ મેચ હવે 30 મિનિટ વહેલી શરૂ થશે

એશિયન ગેમ્સ 2026: ટીમ ઈન્ડિયાની નોકઆઉટ મેચ હવે 30 મિનિટ વહેલી શરૂ થશે

જાપાનના આઈચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર વચ્ચે રમાનારી એશિયન ગેમ્સ 2026ના પુરુષ ક્રિકેટ ઈવેન્ટમાં નોકઆઉટ મેચોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા શેડ્યુલ મુજબ બપોરે શરૂ થતી મેચ હવે સ્થાનિક સમય અનુસાર 2 કલાકને બદલે 1:30 કલાકે શરૂ થશે, એટલે કે 30 મિનિટ વહેલી.

જાપાન ભારતથી 3 કલાક 30 મિનિટ આગળ છે. તેથી ભારતીય સમય અનુસાર આ બપોરની મેચ હવે સવારે 10 કલાકે લાઈવ જોઈ શકાશે. આ ફેરફારની સીધી અસર ટીમ ઈન્ડિયાના શેડ્યુલ પર પડશે.

મેચનો સમય વહેલો કરવા પાછળનું મુખ્ય કારણ જાપાનમાં સાંજે વહેલું અંધારું થઈ જવું છે. ટૂર્નામેન્ટના વેન્યુ પર ફ્લડલાઈટ્સની વ્યવસ્થા પણ નથી. વધુમાં, પુરુષોની T20 મેચ મહિલાઓની મેચ કરતાં લાંબા સમય સુધી ચાલે છે, તેથી મેચ 30 મિનિટ વહેલી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ શેડ્યુલ સત્તાવાર વેબસાઇટ પર અપડેટ કરવામાં આવ્યું છે. જોકે, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના અધિકારીઓએ જણાવ્યું છે કે તેમને આ ફેરફાર અંગે હજુ સુધી કોઈ ઔપચારિક માહિતી મળી નથી.

એશિયન ગેમ્સ માટે ભારતની ટીમના 15 ખેલાડીઓની પસંદગી થઈ ચૂકી છે. ટીમમાં શ્રેયસ અય્યર, અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્રોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી અને યશ ઠાકુરનો સમાવેશ થાય છે.

વૈભવ સૂર્યવંશી સ્થાનિક ક્રિકેટમાં બિહાર માટે અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ માટે રમી ચૂક્યો છે. યશ ઠાકુરને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.