જાપાનના આઈચી નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 2026ની એશિયન ગેમ્સ શરૂ થવા જઈ રહી છે. આ ગેમ્સમાં ભારતના 496 ખેલાડીઓ ભાગ લેશે. તેમાં 264 પુરુષ અને 232 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારત કુલ 36 રમતોમાં ભાગ લેશે.
રમતગમત મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર, આ ખેલાડીઓની તૈયારીઓ પાછળ ભારતે 702.86 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. આ રકમ કઈ કઈ બાબતો પર ખર્ચવામાં આવી, તેની વિગતો પણ મંત્રાલયે આપી છે.
સૌથી વધુ રકમ 251.4 કરોડ રૂપિયા આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં ભાગ લેવા અને ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે અનુભવ આપવા પાછળ ખર્ચવામાં આવી છે. બીજા ક્રમે, ખેલાડીઓની દેશમાં થતી તાલીમ પાછળ 118.3 કરોડ રૂપિયા ખર્ચાયા છે.
ખેલાડીઓ માટે વિદેશી નિષ્ણાત અને કોચને બોલાવવા પાછળ 86.3 કરોડ રૂપિયા અને ખેલાડીઓના સાધનો પાછળ 89.2 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. વિદેશમાં થતી તાલીમ પાછળ 39.8 કરોડ રૂપિયા ખર્ચાયા છે, જે આ કુલ ખર્ચમાં સૌથી ઓછી રકમ છે.
ઉપરોક્ત વિગતો સિવાયના અન્ય ખર્ચ પાછળ 117.9 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. આમ, ખેલાડીઓની તૈયારી, તાલીમ, સાધનો અને આંતરરાષ્ટ્રીય અનુભવ સહિતની બાબતોમાં કુલ 702.86 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.