જાપાનના નાગોયા ખાતે રમાયેલી એશિયન ગેમ્સ 2026નું રવિવારે સમાપન થયું. મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં યોજાયેલી ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય શૂટર નીરુ ઢાંડાએ ભારતનો તિરંગો લહેરાવ્યો. તે ભારતની ધ્વજવાહક હતી.
ગેમ્સનો છેલ્લો ગોલ્ડ મેડલ સાઉદી અરેબિયાના ઘોડેસવાર હમદ અલદુહામીએ જીત્યો. તે શો જમ્પિંગ ઇવેન્ટમાં ચેમ્પિયન બન્યો. તેના દેશના અબ્દુલરહમાન બદ્ર અલરાજહીને સિલ્વર અને કતારના મોહમ્મદ બાસેમને બ્રોન્ઝ મેડલ મળ્યો.
આ ગેમ્સમાં થાઈલેન્ડના એથ્લેટ બૂનસોન પુરિપોલ અને ચીનની 13 વર્ષની તરવૈયા યુ જિદીને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP) એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
બૂનસોને પુરુષોની 100 મીટર રેસની સેમિફાઇનલમાં 9.91 સેકન્ડનો ગેમ્સ રેકોર્ડ બનાવ્યો હતો. ફાઇનલમાં તેણે 9.90 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો. 200 મીટરની સેમિફાઇનલમાં 20.10 સેકન્ડનો ગેમ્સ રેકોર્ડ બનાવ્યા બાદ ફાઇનલમાં 19.88 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો. તેનો આ સમય એશિયન રેકોર્ડની બરાબરી કરતો હતો.
યુ જિદીએ મહિલાઓની 200 મીટર બટરફ્લાયમાં 2:05.08ના ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. 200 મીટર વ્યક્તિગત મેડલેમાં 2:06.10નો એશિયન રેકોર્ડ બનાવ્યો. 400 મીટર વ્યક્તિગત મેડલેમાં 4:28.56ના ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. 13 વર્ષની ઉંમરે ત્રણેય ઇવેન્ટમાં ગોલ્ડ જીતીને તે એશિયન ગેમ્સના ઇતિહાસમાં સૌથી નાની વયની MVP બની.
ક્લોઝિંગ સેરેમનીમાં લેઝર શો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ યોજાઈ. ભારતીય ખેલાડીઓએ તિરંગા સાથે સેલ્ફી લીધી. આગામી એશિયન ગેમ્સ 2030માં કતારની રાજધાની દોહામાં રમાશે.