એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ રાઇઝિંગ એશિયા કપ 2026નું શેડ્યૂલ જાહેર કર્યું છે. કતારના દોહામાં 19 થી 29 નવેમ્બર સુધી રમાનારી આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. બંને ટીમો વચ્ચેની મેચ 22 નવેમ્બરે રમાશે.
ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે, જેને ચાર-ચાર ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગ છે. ગ્રુપ Bમાં ભારત, પાકિસ્તાન, નેપાળ અને સંયુક્ત અરબ અમીરાત (UAE) સામેલ છે.
ટુર્નામેન્ટની શરૂઆત 19 નવેમ્બરે બાંગ્લાદેશ અને હોંગકોંગ વચ્ચેની મેચથી થશે. તે જ દિવસે શ્રીલંકા અને અફઘાનિસ્તાન પણ એકબીજા સામે ટકરાશે. ભારત 20 નવેમ્બરે નેપાળ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ 22 નવેમ્બરે પાકિસ્તાન સામે મેચ રમશે. ભારતીય ટીમ 24 નવેમ્બરે UAE સામે પોતાની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ રમશે.
સેમિફાઇનલ 26 અને 27 નવેમ્બરે રમાશે, જ્યારે ફાઇનલ 29 નવેમ્બરે રમાશે. ટાઇટલ મેચ વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ આ જ સ્ટેડિયમમાં રમાશે.
ગત સીઝનમાં પાકિસ્તાને ખિતાબ જીત્યો હતો. ભારતે શાનદાર શરૂઆત કરી હોવા છતાં ટાઇટલ સુધી પહોંચી શક્યું નહોતું. આ વખતે ભારતીય ટીમ પાસે પાકિસ્તાન સામે 22 નવેમ્બરની મેચમાં સારું પ્રદર્શન કરવાનો પડકાર રહેશે. યુવા ખેલાડીઓ માટે આ ટુર્નામેન્ટ પોતાની પ્રતિભા દેખાવવાની મોટી તક છે.