એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા આયોજિત રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIની સિનિયર સિલેક્શન કમિટીએ આ ટૂર્નામેન્ટ માટે ભારત-Aની 15 સભ્યોની ટીમ પસંદ કરી છે. તિલક વર્માને કેપ્ટન અને રજત પાટીદારને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
ટીમમાં ઉભરતા યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પણ સ્થાન મળ્યું છે. આ ઉપરાંત અભિષેક શર્મા, રિંકુ સિંહ, પ્રભસિમરન સિંહ, કુમાર કુશાગ્ર, સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહમદ, વિપ્રજ નિગમ, હર્ષ દુબે, તનુષ કોટિયન, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ અને અર્શદ ખાનનો સમાવેશ થાય છે. આ ટીમમાં યુવા પ્રતિભા અને અનુભવી ખેલાડીઓનો સમન્વય જોવા મળે છે.
આ ટૂર્નામેન્ટ 19 થી 29 નવેમ્બર દરમિયાન કતારની રાજધાની દોહા ખાતે યોજાશે. રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં કુલ 8 દેશોની ટીમો ભાગ લઈ રહી છે, જેને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ-Aમાં બાંગ્લાદેશ-A, શ્રીલંકા-A, અફઘાનિસ્તાન-A અને હોંગકોંગ-ચીનનો સમાવેશ થાય છે. ભારત-Aને ગ્રૂપ-Bમાં સ્થાન મળ્યું છે, જ્યાં તેનો સામનો પાકિસ્તાન-A, નેપાળ અને યુએઈ સામે થશે. બંને ગ્રૂપમાંથી ટોચની 2-2 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. સેમિફાઇનલ 26 અને 27 નવેમ્બરે રમાશે, જ્યારે ફાઇનલ 29 નવેમ્બર, રવિવારના રોજ યોજાશે.
ભારત-A પોતાની પ્રથમ મેચ 20 નવેમ્બરે નેપાળ સામે રમીને અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ 22 નવેમ્બરે ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ભારત-A અને પાકિસ્તાન-A વચ્ચેનો હાઇ-વોલ્ટેજ મુકાબલો રમાશે. ગ્રૂપ સ્ટેજની છેલ્લી મેચ 24 નવેમ્બરે યુએઈ સામે થશે.