બેંગ્લુરુના જાણીતા સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી અને પ્રોફેસર અશોક સેનને સ્ટ્રિંગ થિયરીમાં તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત ઓસ્કર ક્લેન મેડલ ૨૦૨૬ એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન મેળવનારા તેઓ પ્રથમ ભારતીય બન્યા છે.
અશોક સેન ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફોર ફંડામેન્ટલ રિસર્ચ (TIFR)ના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલ સાયન્સિસ (ICTS)માં કાર્યરત છે. સ્ટ્રિંગ થિયરી ભૌતિકશાસ્ત્રની એક અદ્યતન શાખા છે, જે બ્રહ્માંડના મૂળભૂત રહસ્યોને એકીકૃત સિદ્ધાંત દ્વારા સમજવાનો પ્રયાસ કરે છે. સેનને વિશ્વભરમાં સ્ટ્રિંગ થિયરીના અગ્રણી વૈજ્ઞાનિકોમાં ગણવામાં આવે છે.
આ પહેલા આ મેડલ સ્ટીફન હોકિંગ અને પીટર હિગ્સ જેવા પ્રખ્યાત વૈજ્ઞાનિકોને પણ મળી ચૂક્યો છે. તાજેતરમાં ICTSના વૈજ્ઞાનિક દીપક ધરને ડિરાક મેડલ એનાયત થયો હતો. તેઓ આ મેડલ મેળવનારા સેન પછી બીજા ભારતીય વૈજ્ઞાનિક બન્યા છે.
સેનને ૨૦૧૨માં ફંડામેન્ટલ ફિઝિક્સમાં બ્રેકથ્રૂ પ્રાઇઝ પણ મળ્યું હતું, જેની ઇનામી રકમ લગભગ ૩૦ લાખ ડોલર (અંદાજે ૨૮ કરોડ રૂપિયા) હતી. આ રકમ ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારની રકમથી લગભગ ત્રણ ગણી છે.
અશોક સેનનો જન્મ કોલકાતામાં થયો હતો. તેમણે પ્રેસિડેન્સી કોલેજમાંથી બી.એસસી. કર્યા બાદ IIT કાનપુરમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ અમેરિકાની સ્ટોનીબ્રુક યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું અને ફર્મિલેબ તથા સ્ટેનફોર્ડ જેવી ટોચની પ્રયોગશાળાઓમાં સંશોધન કર્યું. અમેરિકામાં ઉજ્જવળ ભવિષ્ય હોવા છતાં તેમણે ભારત પરત ફરીને દેશની સેવા કરવાનું પસંદ કર્યું.
બેંગ્લુરુ આવતા પહેલા તેમણે મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ અને પ્રયાગરાજની હરિશચંદ્ર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધન કર્યું હતું. પ્રયાગરાજમાં તેઓ પોતાની સંસ્થામાં સાયકલ પર જ આવ-જા કરતા હતા. તેઓ અત્યંત સાદગીભર્યું જીવન જીવે છે અને કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર નથી. તેમના પિતા ભૌતિક વિજ્ઞાનના શિક્ષક હતા.