નવેમ્બર 2026ના એક સપ્તાહમાં એશિયાના બે શહેરોમાં ત્રણ મોટી આંતરરાષ્ટ્રીય બેઠકો યોજાઈ છે. ફિલિપાઈન્સના મનિલામાં આસિયાન સમિટ અને ક્વાડ દેશોની બેઠક થઈ, જ્યારે ચીનના શેનઝેનમાં એપેક સમિટની તૈયારીઓ ચાલી રહી છે. આ ત્રણેય બેઠકોમાં એક સમાન મુદ્દો છે – વૈશ્વિક પ્રભુત્વ અને પેસિફિક મહાસાગરમાં કોનો દબદબો રહેશે તેની ચર્ચા.
આ બેઠકોમાં દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓ – ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ, વ્લાદિમીર પુતિન, નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન સનાએ તાકાઈચી – એક જ મંચ પર આવવાના છે. આ બેઠકો દર્શાવે છે કે હવે યુદ્ધ ફક્ત સરહદો પર નથી લડાતું, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર ચિપ્સ, દુર્લભ ખનિજો (રેર અર્થ) અને દરિયાઈ વેપારી માર્ગો પરના નિયંત્રણ માટે લડાઈ ચાલી રહી છે. જેની પાસે ટેક્નોલોજી અને મજબૂત સપ્લાય ચેઈન હશે, તે જ 21મી સદીના નિયમો નક્કી કરશે.
મનિલામાં અમેરિકા અને તેના સાથી દેશોએ ચીનની આર્થિક દાદાગીરી સામે ખુલ્લો મોરચો ખોલ્યો છે. ચીને અગાઉ જાપાન જેવા દેશોને જરૂરી ખનિજોનો સપ્લાય અટકાવીને દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે ક્વાડ – અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા – એકસાથે મળીને ચીનમુક્ત સપ્લાય ચેઈન ઊભી કરવાની યોજના બનાવી રહ્યા છે, જેથી કોઈ એક દેશ સમગ્ર વિશ્વને બાનમાં ન લઈ શકે.
અસલી રસ તો ચીનના શેનઝેનમાં જોવા મળી રહ્યો છે, જ્યાં એપેક સમિટમાં ટ્રમ્પ, જિનપિંગ અને પુતિન સામસામે બેસવાના છે. જિનપિંગ પોતાને મુક્ત વેપારના હિમાયતી તરીકે રજૂ કરવા માંગે છે, તો પુતિન યુક્રેન યુદ્ધ પછાતા પ્રભાવને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચર્ચા છે કે ટ્રમ્પ ઈરાન યુદ્ધ પૂરું કરવા માટે ચીન અને રશિયાની મદદ માંગી શકે છે, કારણ કે બંનેના ઈરાન સાથે સારા સંબંધો છે.
આ ત્રિપક્ષીય બેઠક અંગે અનેક અટકળો છે, પરંતુ સત્તાવાર માહિતી હજુ આવી નથી. બેઠક બાદ જ ખબર પડશે કે કોણે શું ચર્ચા કરી અને કઈ સમજૂતી થઈ.
હવે ભારતની વાત કરીએ. આસિયાનના 11 દેશો કોઈના પ્યાદા બનવા તૈયાર નથી. ભારતે એક તરફ ક્વાડમાં રહીને અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે હાથ મિલાવ્યા છે, તો બીજી તરફ આસિયાન દેશો સાથે ડિજિટલ અને દરિયાઈ ક્ષમતા વધારવા પર ભાર મૂકી રહ્યું છે. આની અસર ગુજરાત પર પણ થઈ શકે છે, કારણ કે ગુજરાત દેશનું મુખ્ય દરિયાઈ વેપારી રાજ્ય છે.
મનિલા અને શેનઝેનની રાજદ્વારી રમત પાછળ અબજો ડોલરનું અર્થતંત્ર કામ કરી રહ્યું છે. ક્વાડ દેશોએ ચીનની દુર્લભ ખનિજો પરની મોનોપોલી તોડવા માટે 20 બિલિયન ડોલર (અંદાજે 1.68 લાખ કરોડ રૂપિયા)નું ભંડોળ ઊભું કર્યું છે. આ ઉપરાંત, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ચિપ્સના સપ્લાય ચેઈનને સુરક્ષિત રાખવા માટે મનિલામાં 85 મિલિયન ડોલરના ક્વાડ એઆઈ એક્સલરેટરની જાહેરાત કરવામાં આવી છે, જે ચિપ સપ્લાયમાં આવતા અવરોધોને અગાઉથી ઓળખીને ઉકેલ લાવવા પર કામ કરશે.
બીજી તરફ, દક્ષિણ-પૂર્વ એશિયાના 11 દેશોના આસિયાન સંગઠને 14 નવેમ્બરે વિશ્વનો પ્રથમ બંધનકર્તા ડિજિટલ વેપાર કરાર DEFA પર હસ્તાક્ષર કર્યા છે. અંદાજ મુજબ આ કરારથી આસિયાનની ડિજિટલ અર્થવ્યવસ્થા 2030 સુધીમાં બમણી થઈને 2 લાખ ડોલર સુધી પહોંચી શકે છે. ભારત અને આસિયાન વચ્ચેનો વેપાર 2025-26માં વધીને 128 બિલિયન ડોલર થયો છે.