પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવતા અસારવા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર પ્લેટફોર્મ વોલ બનાવવાનું કામ શરૂ થશે. આ કામને કારણે 1 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. જેથી અસારવા આવતી-જતી કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં મેમૂ ટ્રેન સંપૂર્ણ રદ કરાઈ છે, જ્યારે કેટલીક ટ્રેનોને નરોડા ખાતે શોર્ટ ટર્મિનેટ કે ઓરિજિનેટ કરવામાં આવી છે.
રેલવે દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, ટ્રેન નં. 69245 (અસારવા-હિંમતનગર મેમૂ) 1 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી સંપૂર્ણ રદ રહેશે. તેવી જ રીતે ટ્રેન નં. 69246 (હિંમતનગર-અસારવા મેમૂ) 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી સંપૂર્ણ રદ રહેશે.
શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનોમાં, ટ્રેન નં. 19315 (ઇન્દોર-અસારવા વીર ભૂમિ એક્સપ્રેસ) 30 સપ્ટેમ્બરથી 29 ઓક્ટોબર દરમિયાન અસારવા સુધી જવાને બદલે નરોડા સ્ટેશન પર જ તેની યાત્રા પૂરી કરશે. જ્યારે ટ્રેન નં. 19316 (અસારવા-ઇન્દોર વીર ભૂમિ એક્સપ્રેસ) 1 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન અસારવાને બદલે નરોડા સ્ટેશનથી ઉપડશે.
ઉપરાંત, ટ્રેન નં. 09406 (ખેડબ્રહ્મા-અસારવા ભાદરવી પૂનમ સ્પેશિયલ) 1 ઓક્ટોબરના રોજ અસારવાને બદલે નરોડા સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ટ્રેનોમાં મુસાફરી કરતા પહેલા રેલવેની અધિકૃત જાહેરાત ચેક કરી લે અથવા સ્ટેશન પરથી માહિતી મેળવી લે, જેથી તેમને કોઈ અસુવિધા ન થાય.