સત્ય. સાહસ. સંકલ્પ.

સેહવાગના પુત્ર આર્યવીરે વિનુ માંકડ ટ્રોફીમાં 173 રન ફટકાર્યા, દિલ્હી U-19ની કેપ્ટનશીપ કરી

સેહવાગના પુત્ર આર્યવીરે વિનુ માંકડ ટ્રોફીમાં 173 રન ફટકાર્યા, દિલ્હી U-19ની કેપ્ટનશીપ કરી

પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે શુક્રવારે વિનુ માંકડ ટ્રોફીમાં દિલ્હી અંડર-19 ટીમ તરફથી 173 રનની શાનદાર ઇનિંગ રમી છે. 18 વર્ષીય આર્યવીર દિલ્હી અંડર-19 ટીમનો કેપ્ટન છે.

આંધ્ર પ્રદેશના વિજયનગરમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચંડીગઢ અંડર-19 સામે રમાયેલી આ મેચમાં આર્યવીરે 143 બોલમાં 19 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. તેની આ ઇનિંગને કારણે દિલ્હીએ 50 ઓવરમાં 289 રન બનાવ્યા. જોકે ચંડીગઢે 41.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 290 રનનો ટાર્ગેટ પૂરો કરી લીધો અને મેચ જીતી લીધી.

આર્યવીરે ગયા મહિને ભારતીય અંડર-19 ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની સિરીઝમાં તેણે ત્રણ ઇનિંગમાં 109 રન બનાવ્યા હતા, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 47 રન હતો. તેનો સ્ટ્રાઇક રેટ લગભગ 104 રહ્યો હતો.

તે રાજકોટમાં ઓસ્ટ્રેલિયા-A સામેની સિરીઝ માટે યોજાયેલા ઇન્ડિયા-A કેમ્પનો પણ ભાગ રહ્યો હતો.

આર્યવીરે દિલ્હી પ્રીમિયર લીગની 2026 સીઝનમાં વેસ્ટ દિલ્હી લાયન્સ માટે રમીને 2 મેચમાં 24 રન બનાવ્યા હતા. તે પહેલાં 2024માં મેઘાલય સામે કૂચ બિહાર ટ્રોફીમાં 297 રનની ઇનિંગ રમીને ચર્ચામાં આવ્યો હતો.

વિનુ માંકડ ટ્રોફી એ BCCI દ્વારા આયોજિત અંડર-19 વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ છે, જેમાં દેશના વિવિધ રાજ્યો અને ક્રિકેટ એસોસિયેશનની અંડર-19 ટીમો ભાગ લે છે. આ ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાય છે. તેનું નામ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિનુ માંકડના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે ભારત માટે 44 ટેસ્ટ મેચ રમીને 2,109 રન બનાવ્યા અને 162 વિકેટ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, રાહુલ દ્રવિડના બંને પુત્રો સમિત અને અન્વય દ્રવિડ પણ ક્રિકેટમાં કારકિર્દી બનાવી રહ્યા છે. બંને કર્ણાટકની અલગ-અલગ વયજૂથની ટીમોમાં રમે છે.

સમિત મિડલ ઓર્ડર બેટર અને મિડિયમ પેસર છે તથા કર્ણાટકની અંડર-19 ટીમ માટે રમી ચૂક્યો છે. 2023-24ની કૂચ બિહાર ટ્રોફી સીઝનમાં તેણે 8 મેચમાં 362 રન બનાવ્યા હતા અને 16 વિકેટ પણ ઝડપી હતી. સપ્ટેમ્બર 2024માં સમિતની ઓસ્ટ્રેલિયા સામેની ભારતની અંડર-19 ટીમમાં પસંદગી થઈ હતી, પરંતુ ઘૂંટણની ઈજાને કારણે તે રમી શક્યો નહોતો.

દ્રવિડના બીજા પુત્ર અન્વય વિકેટકીપર-બેટર છે અને કર્ણાટકની અંડર-19 ટીમ માટે રમે છે. વિનુ માંકડ ટ્રોફીમાં અન્વયે 6 મેચમાં 220 રન બનાવ્યા હતા. જૂન 2026માં શ્રીલંકા પ્રવાસ માટે ભારતની અંડર-19 વન-ડે ટીમમાં તેની પ્રથમ વખત પસંદગી થઈ હતી. ત્યારબાદ તેણે શ્રીલંકા સામેની બીજી યુથ વન-ડેમાં 67 બોલમાં 87 રનની ઇનિંગ રમી હતી. તેને ઓસ્ટ્રેલિયા સામેની અંડર-19 વન-ડે ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો હતો.