સત્ય. સાહસ. સંકલ્પ.

U-19 એશિયા કપ ફાઇનલમાં ભારતને જીત અપાવનાર રાજકોટના આર્યન સવસાણી, પિતાએ કહ્યું- 'લોકો ક્રિકેટમાં ના મોકલાય એમ કહેતા'

U-19 એશિયા કપ ફાઇનલમાં ભારતને જીત અપાવનાર રાજકોટના આર્યન સવસાણી, પિતાએ કહ્યું- 'લોકો ક્રિકેટમાં ના મોકલાય એમ કહેતા'

ઓમાનમાં રમાયેલી અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને એક વિકેટે હરાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી છે. આ જીતમાં રાજકોટના ઓલરાઉન્ડર આર્યન સવસાણીનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે.

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની આ ફાઇનલ 14 નવેમ્બરે ઓમાનના અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. પાકિસ્તાને ભારતને જીત માટે 338 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે ભારતે અંતિમ ઓવરમાં એક વિકેટ ગુમાવીને પાર કર્યો હતો. છેલ્લી ઓવરમાં ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવનાર સુરેન્દ્રનગરના મોહિત ઉલ્વાએ 49 રન બનાવ્યા હતા. ભારતે આ ટુર્નામેન્ટ નવમી વખત જીતી છે.

આર્યને ટુર્નામેન્ટમાં સમગ્રપણે સારું પ્રદર્શન કર્યું છે. અફઘાનિસ્તાન સામેની સેમિફાઇનલમાં તેણે સાત ઓવરમાં 29 રન આપીને બે મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.

આર્યન મૂળ મોરબીના ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામનો વતની છે અને હાલ રાજકોટના સાધુ વાસવાણી રોડ પર પરિવાર સાથે રહે છે. તેમના પિતા મોરબીના ખાનપર ગામની હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. પુત્રની સફળતા બાદ રાજકોટ સ્થિત ઘરમાં પરિવારજનોમાં આનંદનો માહોલ છે.

પરિવારે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે શરૂઆતમાં લોકો કહેતા હતા કે આર્યનને ક્રિકેટમાં ન મોકલવો જોઈએ. પરંતુ પરિવારે તેની પ્રતિભા પર ભરોસો રાખ્યો અને આજે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ચેમ્પિયન બનાવવામાં સહભાગી બન્યો છે.

આર્યને ક્રિકેટની પાયાની તાલીમ રાજકોટના બાલ ભવન ખાતે વર્ષોની મહેનત બાદ મેળવી છે. ઘરેલું ક્રિકેટમાં સુરેન્દ્રનગર જિલ્લા તરફથી રમીને તેણે પોતાની ક્ષમતા સાબિત કરી હતી. આ સફળતા સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ માટે ગર્વની ક્ષણ છે.