અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિનોલ ગામ પાસે બિશ્નોઈ ગેંગના શંકાસ્પદ સાગરીતોએ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસની ગાડી પર હુમલો કર્યો છે. પોલીસે સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. આ ઘટનામાં બે પોલીસ જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે અંધારાનો લાભ લઈને બે આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી SOG પોલીસને બાતમી મળી હતી કે એક કાળા રંગની સ્કોર્પિયો કારમાં ગેરકાયદેસર રીતે પોષ ડોડાનો જથ્થો વહન કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે શિનોલ ગામ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ કારને આંતરીને તેનો પીછો કર્યો હતો.
જ્યારે પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે કારમાં સવાર અસામાજિક તત્ત્વોએ પોલીસને સહકાર આપવાને બદલે પોતાની કાર દોડાવીને સીધી પોલીસની ગાડીને ટક્કર મારી દીધી હતી. આરોપીઓએ પોલીસ કર્મચારીઓ પર રિવોલ્વર જેવી બંદૂક તાકીને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપીઓ દ્વારા બંદૂક બતાવવામાં આવતા અને જાનનું જોખમ ઊભું થતાં, ઘટનાસ્થળે હાજર PI પી.બી. ચૌધરીએ સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગુનેગારોની ગાડી પૂરપાટ ઝડપે અથડાવાના કારણે સર્જાયેલા ઘર્ષણમાં પોલીસ વાહનના ડ્રાઈવર પ્રકાશસિંહ અને PI પી.બી. ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાત્રિના ઘોર અંધારાનો લાભ ઉઠાવીને કારમાં સવાર બે આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી જવામાં સફળ રહ્યા હતા. બાદમાં પોલીસે સ્કોર્પિયો કારની તલાશી લેતા તેમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ પોષ ડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
આ હુમલાની પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફરાર થયેલા બંને ગુનેગારો કુખ્યાત બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે. પોલીસ પર હુમલાની ગંભીરતાને પગલે અરવલ્લી જિલ્લાના પોલીસ વડા (SP) મનોહરસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવીને કડક સૂચનાઓ આપી હતી.
ગુનેગારો અન્ય રાજ્યમાં ભાગી ન છૂટે તે માટે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલી તમામ ચેકપોસ્ટો પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 24 કલાક વાહન ચેકિંગ શરૂ કરી દેવાયું છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની 3થી 4 ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.