30 સપ્ટેમ્બર 2026ના રોજ ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં મોટું સંકટ સર્જાયું હતું. દુબઈથી તેલ અવીવ જઈ રહેલા બોઇંગ 737 MAX 8ના કોકપિટમાં સહ-પાઇલટે કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. વિમાનમાં 174 મુસાફરો અને 8 ક્રૂ સભ્યો સવાર હતા. હુમલા બાદ વિમાન ઝડપથી નીચે આવવા લાગ્યું અને લગભગ 30 સેકન્ડમાં 14 હજાર ફૂટની ઊંચાઈ ગુમાવી દીધી હતી.
ગંભીર રીતે ઘાયલ હોવા છતાં સ્મિતે કોકપિટનો દરવાજો અનલૉક કર્યો હતો. મુસાફરોએ હુમલાખોરને કાબૂમાં લીધો હતો. ફરજ પર ન હોય તેવા બે પાઇલટોએ વિમાન સંભાળ્યું અને તબુકમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોસ્પિટલમાંથી સ્મિત સાથે વીડિયો કૉલ પર વાત કરી અને તેમના સાહસની પ્રશંસા કરી હતી. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ કેપ્ટન સ્મિતને બહાદુર ગણાવી તેમના વખાણ કર્યા હતા.
આ ઘટનાએ બોલિવૂડની એવી ફિલ્મોની યાદ અપાવી, જેમાં વિમાન હાઇજેક, વિમાન સંકટ અને મુસાફરોને બચાવવાની કહાનીઓ દર્શાવવામાં આવી છે. તેમાંથી કેટલીક ફિલ્મો વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે, જ્યારે કેટલીક કાલ્પનિક કહાનીઓ પર આધારિત છે.
1. ‘નીરજા’
2016ની ફિલ્મ ‘નીરજા’માં સોનમ કપૂરે એર હોસ્ટેસ નીરજા ભનોટની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 1986ની પેન એમ ફ્લાઇટ 73 હાઇજેક પર આધારિત હતી. મુસાફરોને બચાવવાનો પ્રયાસ કરતાં નીરજાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમને મરણોત્તર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
2. ‘બેલ બોટમ’
અક્ષય કુમારની 2021ની ફિલ્મ ‘બેલ બોટમ’ 1980ના દાયકામાં બનેલી વિમાન હાઇજેકની ઘટનાઓથી પ્રેરિત જાસૂસી થ્રિલર હતી. ફિલ્મમાં અક્ષયે RAW એજન્ટની ભૂમિકા ભજવી હતી, જે હાઇજેક કરાયેલા વિમાનમાંથી મુસાફરોને બચાવવાના મિશન પર જાય છે. ફિલ્મની વાર્તામાં 1984ના ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 421ના હાઇજેક સહિત તે સમયની અન્ય ઘટનાઓથી પ્રેરણા લેવામાં આવી હતી.
3. ‘યોદ્ધા’
2024માં આવેલી સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘યોદ્ધા’માં એક ભૂતપૂર્વ સૈનિક હાઇજેક કરાયેલા વિમાનમાં ફસાઈ જાય છે. ત્યારબાદ તે મુસાફરોના જીવ બચાવવા અને હુમલાખોરોનો સામનો કરવાનો પ્રયાસ કરે છે. આ એક કાલ્પનિક એક્શન થ્રિલર હતી.
4. ‘કંધાર’
મલયાલમ ફિલ્મ ‘કંધાર’માં મોહનલાલે મેજર મહાદેવનનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં એક મુસાફર વિમાન હાઇજેક થયા બાદ બંધકોને બચાવવાનું અભિયાન દર્શાવવામાં આવ્યું છે. તેની વાર્તા 1999ના ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 814ના હાઇજેકથી પ્રેરિત હતી. આ જ ફિલ્મ દ્વારા મહાનાયક અમિતાભ બચ્ચને મલયાલમ સિનેમામાં પોતાનું ડેબ્યૂ (કેમિયો રોલ) કર્યું હતું.
5. ‘જમીન’
અજય દેવગન અને અભિષેક બચ્ચન અભિનિત ‘જમીન’માં એક વિમાન હાઇજેક થયા બાદ મુસાફરોને બચાવવાનું ઓપરેશન દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ 1999ના IC-814 હાઇજેકિંગથી થોડી ઘણી પ્રેરિત હતી અને ઓપરેશન એન્ટેબેથી પણ પ્રભાવિત હતી. ફિલ્મમાં અજય દેવગણે કર્નલ રણવીર સિંહ રાણાવત (ભારતીય સેના) અને અભિષેક બચ્ચને એસીપી જયદીપ રાય (મુંબઈ પોલીસ)ની ભૂમિકા ભજવી હતી.
6. ‘હાઇજેક’
2008ની ફિલ્મ ‘હાઇજેક’માં શાઇની આહુજાએ ગ્રાઉન્ડ મેન્ટેનન્સ એન્જિનિયર વિક્રમ મદાનનું પાત્ર ભજવ્યું હતું. તેમની પુત્રી જે વિમાનમાં મુસાફરી કરી રહી હોય છે, તેને આતંકવાદીઓ હાઇજેક કરી લે છે. ત્યારબાદ વિક્રમ વિમાનમાં ઘૂસીને પોતાની પુત્રી અને અન્ય મુસાફરોને બચાવવાનો પ્રયાસ કરે છે. ફિલ્મમાં શાઇની આહુજા સાથે ઈશા દેઓલે એરહોસ્ટેસ (સાયરા)ની મુખ્ય ભૂમિકા ભજવી હતી, જે વિમાનની અંદરથી વિક્રમની મદદ કરે છે.
7. ‘ચોર નીકલ કે ભાગા’
યામી ગૌતમ અને સની કૌશલ અભિનીત આ નેટફ્લિક્સ થ્રિલરની શરૂઆત હીરાની ચોરીના કાવતરાથી થાય છે. ત્યારબાદ વિમાન હાઇજેક થતાં વાર્તા સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ફિલ્મમાં યામી ગૌતમે નેહા ગ્રોવર નામની એરહોસ્ટેસ અને સની કૌશલે અંકિત સેઠી નામના બિઝનેસમેનની ભૂમિકા ભજવી છે. બંનેએ મુખ્ય ભૂમિકાઓ ભજવી છે.
8. ‘રનવે 34’
ફિલ્મ ‘રનવે 34’માં અજય દેવગણે 'કેપ્ટન વિક્રાંત ખન્ના' નામના એક અસાધારણ અને આત્મવિશ્વાસુ પાઇલટની ભૂમિકા ભજવી છે. વાર્તામાં બતાવવામાં આવ્યું છે કે ખરાબ હવામાન અને અત્યંત ઓછી દૃશ્યતા (લો વિઝિબિલિટી) વચ્ચે તેઓ જોખમ ઉઠાવીને વિમાનનું 'બ્લાઇન્ડ લેન્ડિંગ' કરાવે છે. ત્યારબાદ મુસાફરોના જીવને જોખમમાં મૂકવાના આરોપસર તેમની સામે કાનૂની તપાસ (એવિએશન ઇન્ક્વાયરી) શરૂ કરવામાં આવે છે, જેનું નેતૃત્વ અમિતાભ બચ્ચન (નારાયણ વેદાંત તરીકે) કરે છે. ફિલ્મ ‘રનવે 34’ 18 ઑગસ્ટ 2015ના રોજ થયેલી જેટ એરવેઝની દોહાથી કોચી જતી ફ્લાઇટની ઘટના પરથી પ્રેરિત છે.
9. ‘ફ્લાઇટ’
2012ની હોલિવૂડ ફિલ્મ ‘ફ્લાઇટ’માં ડેન્ઝલ વૉશિંગ્ટને પાઇલટ વ્હિપ વ્હિટેકરની ભૂમિકા ભજવી હતી. વિમાનમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાયા બાદ પાઇલટ જોખમી લેન્ડિંગ કરાવે છે, જેમાં ઘણા મુસાફરો બચી જાય છે. ત્યારબાદ તેની સામે તપાસ શરૂ થાય છે.
10. ‘એર ફોર્સ વન’
1997ની હોલિવૂડ ફિલ્મ ‘એર ફોર્સ વન’માં અમેરિકી રાષ્ટ્રપતિનું વિમાન હાઇજેક થાય છે. હેરિસન ફોર્ડે રાષ્ટ્રપતિની ભૂમિકા ભજવી હતી, જે પોતાના વિમાનને આતંકવાદીઓથી બચાવવાનો પ્રયાસ કરે છે.
આ તમામ ફિલ્મોમાં વિમાન સંકટ અને બહાદુરીની કહાનીઓ દર્શાવવામાં આવી છે. કેપ્ટન સ્મિત મચ્છરની ઘટના આ ફિલ્મોની કહાનીઓને વાસ્તવિક જીવનમાં ઉતારે છે.