ગાંધીનગરઃ રાજ્ય સરકારે એક જ દિવસમાં બે IAS અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા છે. ગૌરવ દહિયા અને કે. રાજેશને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. આ પગલાથી રાજ્યની નોકરશાહીમાં ભારે ચર્ચા જાગી છે. સરકારે 'ઓપરેશન ગંગાજળ' હેઠળ આ કાર્યવાહી કરી હોવાનું મનાય છે.
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ લાંબા સમયથી સસ્પેન્ડ હતા અને તેમની સામે CBI અને ED દ્વારા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસ ચાલી રહ્યા હતા. 2022માં CBI દ્વારા ધરપકડ બાદ તેમને સસ્પેન્ડ કરાયા હતા. તેમના પર સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન ગેરકાયદે હથિયાર લાઇસન્સ, સરકારી જમીન ફાળવણી અને અતિક્રમણ નિયમિત કરવા બદલ લાંચ લેવાના આરોપ છે.
સુરેન્દ્રનગરમાં બિનખેતી જમીન રૂપાંતરણમાં આશરે 1500 કરોડનું કૌભાંડ થયાનો આરોપ છે. EDના ઇનપુટ પરથી ACBએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે ગુનો નોંધ્યો છે. તપાસમાં વચેટિયાઓ અને એજન્ટોનું ગેરકાયદે નેટવર્ક બહાર આવ્યું છે. CBI અહેવાલો મુજબ કે. રાજેશના સમયમાં ચૂંટણી ખર્ચ ખાતામાં 5 લાખથી વધીને 5 કરોડ થયા હતા, જેમાં લાંચની રકમ જમા થતી હોવાનું કહેવાય છે.
EDએ ઓગસ્ટ 2022માં કે. રાજેશની કસ્ટડીમાં પૂછપરછ કરી હતી અને સંપત્તિ તથા નાણાકીય વ્યવહારોની તપાસ કરી હતી. બીજી તરફ, ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનમાં ફરજ દરમિયાન ગંભીર ફરિયાદોનો સામનો કરી ચૂક્યા છે. 2019માં એક મહિલાએ છેતરપિંડીના આરોપ લગાવ્યા બાદ તેઓ સસ્પેન્ડ થયા હતા, પરંતુ જુલાઈ 2023માં ફરી સેવામાં પાછા આવીને અધિક વિકાસ કમિશનર બન્યા હતા.
આ બંને અધિકારીઓને વય નિવૃત્તિ પહેલાં જ ફરજિયાત નિવૃત્ત કરાતા વહીવટી તંત્રમાં સંદેશો ગયો છે કે સરકાર ભ્રષ્ટાચાર અને અનિયમિતતા સામે કડક વલણ ધરાવે છે.