નર્મદા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ માંચ ચોકડી નજીકથી લગભગ 5 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ સોશિયલ મીડિયા સેલ સાથે સંકળાયેલા કૌશિક વસાવાનું નામ સામે આવ્યું છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે માંચ ચોકડી નજીક વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી નરેશ વસાવાની અટકાયત કરી હતી, જ્યારે કૌશિક વસાવા અને અશોક વસાવા સ્થળ પરથી ભાગી જવામાં સફળ રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે ઘટનાસ્થળેથી 5 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. ફરાર કૌશિક વસાવા અને અશોક વસાવાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની ધરપકડ માટે શોધખોળ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં રાજકીય પક્ષ સાથે જોડાયેલા વ્યક્તિનું નામ સામે આવતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. જોકે, પોલીસની તપાસ હજુ ચાલુ છે અને આરોપો સંબંધે અંતિમ નિર્ણય તપાસ પૂર્ણ થયા બાદ જ થશે.