ભારતીય ક્રિકેટર દીપક ચહરના ત્રણ બેટ મેદાનમાંથી ચોરાઈ ગયા છે. આ ત્રણેય બેટ 'પ્લેયર એડિશન' હતા, જેની કુલ કિંમત આશરે 1.5 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ઘટના ત્યારે બની જ્યારે ચહર મેદાન પર પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
બેટ ગુમ થયા બાદ દીપક ચહરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેમણે ચાહકોને પૂછ્યું છે કે હવે તેમણે શું કરવું જોઈએ. તેમણે કહ્યું, 'ગઈકાલે સાંજે ત્રણ બેટ, જે પ્લેયર એડિશન હતા, મેદાનમાંથી ચોરાઈ ગયા. હવે તમે જણાવો મારે શું કરવું જોઈએ. જેણે ચોરી કરી છે તેને ખબર નથી કે તે કેટલાના હતા. ત્રણ બેટ દોઢ લાખ રૂપિયાના હતા. હવે તે જઈને તેને વેચી દેશે અથવા ટેનિસ બોલથી રમશે. ભાઈ, મારી પાસેથી જ પૈસા લઈ લેતો, હું આપી દેત.'
વીડિયોમાં ચહરે આગળ કહ્યું, 'મારી પાસે ઘણા વિકલ્પો છે. કાં તો પોલીસમાં ફરિયાદ કરું, અથવા યોગી પાસે જાઉં કે મોદી પાસે, અથવા સીધી ભગવાનને ફરિયાદ કરું. જેણે પણ ચોરી કરી છે તેને સદ્બુદ્ધિ આપે અને મારા બેટ આપી જાય. હું તેને પૈસા આપી દઈશ. અથવા પછી કંપનીને રિક્વેસ્ટ કરીને બીજા બેટ મંગાવી લઉં. તમને શું લાગે છે, અમારે શું કરવું જોઈએ?'
ઉલ્લેખનીય છે કે દીપક ચહર અત્યારે ટીમ ઈન્ડિયાની બહાર છે. ઈજાના કારણે તેમની કારકિર્દી પર ઘણી અસર પડી છે. તેઓએ ભારત માટે 13 વનડે મેચોમાં 16 વિકેટ ઝડપી છે, જ્યારે 25 T20 મેચોમાં 31 વિકેટ ઝડપી છે. વનડેમાં તેમણે 33.83ની સરેરાશથી 203 રન પણ બનાવ્યા છે. હાલમાં તેઓ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે.