સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ફોરલેન હાઇવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારે અંબાજી દર્શન માટે જઈ રહેલા 12 પદયાત્રીઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત થયું છે, જ્યારે 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
મૃતકની ઓળખ નાના ચેખલા ગામના રહેવાસી મોહનભાઈ રમણભાઈ વાઘેલા તરીકે થઈ છે. ઈજાગ્રસ્તોમાંથી ત્રણ લોકોને હિંમતનગરની પ્લૂટો હોસ્પિટલમાં અને અન્ય આઠ લોકોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં ઢોળાસર ગામ પાસે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. જીઆરડીના જવાનોએ કારને આગળ જતી રોકી હતી, પરંતુ સ્કોર્પિયોના ચાલકે જવાનો પર કાર નાખી અને પૂરપાટ ઝડપે ભાગ્યો હતો. આ પછી લગભગ અઢી કિલોમીટરના અંતરે અલગ અલગ સ્થળે પદયાત્રીઓને અડફેટે લીધા હતા.
અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ભરત પટેલે વાહન લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઘટનાથી ઉશ્કેરાયેલા પદયાત્રીઓ અને સ્થાનિક લોકોના ટોળાએ કારને ઝડપીને રોકી લીધી હતી. લોકોએ કારની તોડફોડ કરી અને સ્થળ પર જ આગ ચાંપી દીધી, જેથી કાર સળગીને ખાખ થઈ ગઈ. આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની ટીમને બોલાવવી પડી હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ ચાલક ભરત પટેલને માર માર્યા બાદ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે લોકોને શાંત પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની ગંભીરતાને જોતાં સાબરકાંઠા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ડીએસપી, ગ્રામીણ પોલીસ કર્મચારીઓ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. બીજી તરફ, એ ડિવિઝન પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. મામલતદાર અને નાયબ મામલતદાર સહિતના વહીવટી અધિકારીઓએ પણ હોસ્પિટલની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હાઇવે પર પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું અમલમાં હોવા છતાં, બેફામ અને આડેધડ દોડતા વાહનોના કારણે પદયાત્રીઓ સતત ડર અને પરેશાની વચ્ચે ચાલવા મજબૂર બન્યા છે. નિયમો હોવા છતાં વાહનચાલકોની બેદરકારીના કારણે વારંવાર આવા અકસ્માતો સર્જાતા હોવાથી સ્થાનિકો અને પદયાત્રીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.