મુંબઈ: IIT બોમ્બેના બીજા વર્ષના વિદ્યાર્થી સાહિલ વાકોડેના મોતને લઈને મુંબઈ પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નોંધ્યો છે. મૃતકના પિતાએ આપેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પિતાએ પોતાના નિવેદનમાં ઘણા લોકોના નામ દર્શાવ્યા છે. જેમનાં નામ આપવામાં આવ્યાં છે, તે સૌ વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને ઘટનામાં તેમની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. જોકે પોલીસે આ મામલે નામો, સંખ્યા કે અન્ય વિગતો જાહેર કરી નથી.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે સાંજે પરીક્ષામાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પકડાયા બાદ વાકોડેએ આત્મહત્યા કરી લીધી હતી. IIT બોમ્બેના જણાવ્યા અનુસાર, વાકોડે એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગનો વિદ્યાર્થી હતો. તેણે પરીક્ષામાં જવાબો મેળવવા માટે પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કર્યું હતું. આ ઘટનાક્રમ પરીક્ષા દરમિયાન ધ્યાનમાં આવ્યો હતો.
સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી ન હતી. ઈન્સ્ટ્રક્ટર અને વિભાગના વડાએ આ બાબતે વિદ્યાર્થી સાથે ચર્ચા કરી હતી, તેને સમજાવ્યો હતો અને ખાતરી આપી હતી કે આ ઘટનાની તેના શૈક્ષણિક કરિયર પર કોઈ માઠી અસર થશે નહીં. આ ચર્ચા બાદ વિદ્યાર્થી પોતાના હોસ્ટેલ રૂમમાં પાછો ગયો હતો અને ત્યારબાદ સાંજે તે રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
મોતના સમાચાર ફેલાતાં જ IIT પોવાઈ કેમ્પસમાં વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે સંસ્થા ઘટનાના સંજોગો અંગેનું સંપૂર્ણ સત્ય જાહેર કરી રહી નથી. વિદ્યાર્થીઓનો દાવો હતો કે ચીટિંગના આરોપમાં ફસાયેલા વિદ્યાર્થીને એક વર્ષના સસ્પેન્શનની ધમકી આપવામાં આવી હતી. જો સસ્પેન્શન થાય તો વિદ્યાર્થીને હોસ્ટેલ ખાલી કરીને કેમ્પસની બહાર રહેવું પડે, એમ તેમણે જણાવ્યું હતું. શિસ્તભંગની કાર્યવાહીનો ડર અને દબાણ વાકોડેને આવું અત્યંત પગલું ભરવા માટે કારણભૂત બન્યું હોઈ શકે, એવો આરોપ પણ વિરોધી વિદ્યાર્થીઓએ લગાવ્યો હતો. જોકે આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
બીજી તરફ, વાકોડેનાં માતાએ તેને હેરાન કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂક્યો હતો અને ન્યાયની માંગ કરી હતી. "મારા દીકરાને મારી નાખવામાં આવ્યો છે. તેને ખૂબ હેરાન કરવામાં આવ્યો હતો. મને ન્યાય જોઈએ છે. મેં ફરિયાદ નોંધાવી છે," તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે IIT પોવાઈ કેમ્પસમાં છ મહિનામાં આ ત્રીજી આત્મહત્યા છે. આ ઘટનાએ કેમ્પસમાં તણાવ અને ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે. વિદ્યાર્થીઓનો વિરોધ અને મૃતકના પરિવારની માંગણીઓ વચ્ચે તપાસ ચાલી રહી છે.
IIT બોમ્બેએ નિવેદન બહાર પાડીને જણાવ્યું કે વિદ્યાર્થીના અવસાનથી તે "ઊંડે દુઃખી" છે. "સંસ્થા વિદ્યાર્થીના મિત્રો, સહાધ્યાયીઓ, શિક્ષકગણ અને આ દુઃખદ ઘટનાથી પ્રભાવિત અન્ય લોકોને સહયોગ પૂરો પાડી રહી છે. મોતના સંજોગોની તપાસ સંબંધિત સત્તાવાળા કરી રહ્યા છે," એમ નિવેદનમાં જણાવાયું છે.