નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મોસ્કુટ ગામે આવેલી મહાત્મા ગાંધી આશ્રમ શાળામાં એક સાથે 11 વિદ્યાર્થીઓ ધ્રુજવા લાગ્યા હતા. આ ઘટનાના 8 દિવસ બાદ એક 18 સેકન્ડનો વીડિયો સામે આવ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક વિદ્યાર્થીને જમીન પર સૂવડાવી દેવામાં આવ્યો છે અને તેનું માથું બીજી વિદ્યાર્થિનીના ખોળામાં રાખવામાં આવ્યું છે. તેની બંને બાજુ બે-બે વિદ્યાર્થિનીઓ બેસાડવામાં આવી છે, જેમણે તેના હાથ પકડી રાખ્યા છે. તેમ છતાં તે વિદ્યાર્થી ધ્રુજારી જેવી હિલચાલ કરતો જોવા મળે છે.
અન્ય દ્રશ્યમાં એક વિદ્યાર્થીને ઊભો રાખીને તેના બંને હાથ બે વિદ્યાર્થીઓએ પકડી રાખ્યા છે, જ્યારે પાછળથી એક વિદ્યાર્થીએ તેની કમર જોરથી પકડી રાખી છે. આમ એક જ વિદ્યાર્થીને ચારથી પાંચ વિદ્યાર્થીઓએ પકડી રાખ્યો છતાં તે માથું ઉપર-નીચે કરી રહ્યો હતો. બીજી એક વિદ્યાર્થિની રડતી જોવા મળી હતી, જ્યારે અન્ય ચાર વિદ્યાર્થિનીઓને જમીન પર સૂવડાવી દેવામાં આવી હતી.
આ સ્થિતિ જોઈને આશ્રમશાળાના આચાર્યને ફૂડ પોઈઝનિંગની શંકા થઈ અને તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો. બધા બાળકોને પહેલા ડેડિયાપાડાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા, ત્યારબાદ વધુ સારવાર માટે રાજપીપળાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં એક રાત ઓર્ઝવેશનમાં રાખ્યા બાદ બીજા દિવસે બધાને છોડી દેવાયા હતા.
ડોક્ટરોએ તપાસ કરી તો કોઈ પણ વિદ્યાર્થીમાં ઝાડા, ઉલટી કે પેટમાં દુખાવાની સમસ્યા જણાઈ નથી. હાલ તમામ બાળકો સ્વસ્થ છે.
નર્મદા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જનકકુમાર માઢકે જણાવ્યું કે, આ બાળકોમાં જોવા મળેલું વર્તન સામાન્ય છે. મોટી ઉંમરના લોકોને જોઈને તેમના જેવું કરવું એ સામાન્ય વર્તન છે. તેમણે કહ્યું કે આ કોઈ અભિશાપ કે શાપ નથી, કોઈ વળગાડ કે ભૂતપ્રેત નથી, માનસિક કે શારીરિક બીમારી પણ નથી. આ બાળકો એકદમ સામાન્ય અને નિર્દોષ છે.
નર્મદા જિલ્લા સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેન ફતેસિંગ વસાવાએ જણાવ્યું કે, તેમને બપોરે 4 વાગે ફોન આવ્યો હતો અને તેઓ તરત જ આશ્રમ શાળામાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે એક બાળક વધારે ધ્રુજે તો તેની સાથે બે-ત્રણ બીજા બાળકો પણ એ જ રીતે ધ્રુજવા લાગતા હતા અને થોડી વારમાં શાંત થઈ જતા હતા.
વસાવાએ ઉમેર્યું કે આશ્રમ શાળાના શિક્ષકો વચ્ચે આચાર્ય પદ માટે પણ તકલાદી સ્થિતિ છે. તેમણે કહ્યું કે શિક્ષકો વચ્ચે સંપ હોવો જોઈએ, કારણ કે છેવટે આ આદિવાસી બાળકો છે અને તેઓ આશ્રમમાં જ રહે છે. તેમણે એ પણ જણાવ્યું કે આદિવાસી સમાજમાં અમુક માન્યતાઓ પ્રચલિત હોય છે, જેના કારણે કેટલાક લોકો આવી ઘટનાને બીજી રીતે જુએ છે.