અમદાવાદ શહેરમાં અખાદ્ય ખોરાકના દૂષણને રોકવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફૂડ વિભાગ સક્રિય બન્યો છે. હવે શહેરમાં વેચાતા તમામ ખાદ્ય પદાર્થો પર નામ, ઘટકો, પોષક તત્ત્વો અને ઉત્પાદકનું સરનામું દર્શાવતું લેબલ લગાવવું ફરજિયાત બનશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે ગુજરાત બેકર્સ એસોસિએશનના 100થી વધુ સભ્યો સાથે બેઠક યોજીને આ નિયમોનો ચૂસ્તપણે અમલ કરવા કડક તાકીદ કરી છે. અગાઉ છૂટક વેચાતી મીઠાઈઓ પર ઉત્પાદન તારીખ અને એક્સપાયરી તારીખ લખવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ સમય જતાં તેનું પાલન બંધ થઈ ગયું હતું.
નવા નિયમો અનુસાર લેબલ પર ખાદ્ય પદાર્થનું નામ, ઘટકોની યાદી, એલર્જન સંબંધિત માહિતી, પોષક તત્ત્વોની વિગતો, શાકાહારી કે માંસાહારી ચિન્હ, નેટ ક્વોન્ટિટી, બેચ અથવા લોટ નંબર, ઉત્પાદન તારીખ, FSSAI લોગો અને લાયસન્સ નંબર સાથે ઉત્પાદકનું પૂરું નામ અને સરનામું દર્શાવવું ફરજિયાત છે.
નિયમોનો ભંગ કરનાર ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે શિક્ષાત્મક પગલાં લેવાશે. આ ઉપરાંત, મીઠાઈ અને ફરસાણના વેપારીઓ માટે દુકાનોમાં 'રેપિડ ફૂડ ટેસ્ટિંગ કિટ' રાખવી ફરજિયાત છે, પરંતુ હજુ સુધી મોટાભાગની દુકાનોએ આ કિટ રાખી નથી. મ્યુનિ.ના જણાવ્યા મુજબ, માત્ર એક ચેઈન સ્ટોરે પોતાના 15 આઉટલેટમાં કિટ મૂકી છે, જ્યારે અન્ય ત્રણ વ્યવસાયિકોએ સંપર્ક કર્યો છે, જે દર્શાવે છે કે યોજનાનો અમલ ધીમી ગતિએ ચાલી રહ્યો છે.