પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે સંકળાયેલો એક નવો વિવાદ સામે આવ્યો છે. ઇંગ્લેન્ડ સામે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) કેટલાક ખેલાડીઓના મોબાઇલ ફોન જપ્ત કરી લીધા છે. ટેસ્ટ મેચ પૂરી ન થાય ત્યાં સુધી આ ફોન બોર્ડના કબજામાં જ રહેશે. PCBએ હજુ સુધી એ જણાવ્યું નથી કે કયા ખેલાડીઓના ફોન લેવામાં આવ્યા છે અને આ કાર્યવાહીનું કારણ શું છે.
પાકિસ્તાન ટીમ સિરીઝમાં 0-2થી પાછળ છે અને PCBએ ટીમમાં મોટા ફેરફારો કર્યા છે. ફોન કસ્ટડીમાં લેવાયાના સમાચાર બાદ સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં તેની પાછળનું કારણ અને સંભવિત તપાસને લઈને સવાલો ઉઠી રહ્યા છે. જોકે, હજુ સુધી PCB કે ICCએ તેને મેચ ફિક્સિંગ કે ભ્રષ્ટાચારની તપાસ ગણાવી નથી.
ICCના નિયમો હેઠળ, આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ડ્રેસિંગ રૂમ સહિત નિર્ધારિત પ્રતિબંધિત વિસ્તારોમાં મોબાઇલ ફોન કે અન્ય કોમ્યુનિકેશન ડિવાઇસ રાખવાની કે ઉપયોગ કરવાની મંજૂરી નથી. ખેલાડીઓએ આવા વિસ્તારોમાં પ્રવેશતા પહેલા તેમના ડિવાઇસ સુરક્ષિત જગ્યાએ જમા કરાવવાના હોય છે. જોકે, વર્તમાન મામલો સામાન્ય મેચ-દિવસના પ્રતિબંધથી અલગ હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર, ખેલાડીઓના ફોન PCBની કસ્ટડીમાં રહેશે અને તેમને ત્રીજી ટેસ્ટ પૂરી ન થાય ત્યાં સુધી પરત કરવામાં આવશે નહીં.
પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ PCBએ ત્રીજી ટેસ્ટ પહેલા ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. બોર્ડે મોહમ્મદ રિઝવાન, ઇમામ-ઉલ-હક, સલમાન અલી આગા સહિત 7 ખેલાડીઓને ટીમમાંથી મુક્ત કર્યા છે. તેમની જગ્યાએ નવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, હેડ કોચ સરફરાઝ અહેમદને હટાવી દેવામાં આવ્યા અને તેમની જગ્યાએ માઈક હેસનને ત્રીજી ટેસ્ટ માટે જવાબદારી સોંપવામાં આવી. બોલિંગ કોચ ઉમર ગુલની જગ્યાએ એશ્લે નોફકેને પણ લાવવામાં આવ્યા છે.
પાકિસ્તાને પ્રથમ ટેસ્ટ એક ઇનિંગ્સ અને 103 રનથી અને બીજી ટેસ્ટ 194 રનથી ગુમાવી હતી. હવે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ 9 સપ્ટેમ્બરથી બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે. આવા સમયે, ખેલાડીઓના ફોન PCBની કસ્ટડીમાં લેવાયા હોવાના અહેવાલે ટીમની અંદર ચાલી રહેલી અશાંતિને વધુ વેગ આપ્યો છે.