જૂનાગઢના પાતાપુર નજીક આવેલી એક સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાના પ્રવેશનો CCTV ફૂટેજ સામે આવ્યો છે. ફૂટેજમાં જોવા મળે છે કે, બચ્ચું ફેક્ટરીના ગેટ નીચેથી સરકીને પરિસરમાં ઘૂસી જાય છે અને થોડીવાર આંટાફેરા કર્યા બાદ પાછું બહાર નીકળી જાય છે.
આ ઘટના બુધવારે બની હોવાનું માનવામાં આવે છે. અગાઉ પણ ફેક્ટરી નજીક બે સિંહણ અને બે બચ્ચાં જોવા મળ્યાં હતાં, જેમાંનું એક બચ્ચું હોવાનું અનુમાન છે. ગીરના જંગલો અને તેની આસપાસના વિસ્તારોમાં માનવ વસાહતો નજીક સિંહોની અવરજવર સામાન્ય બની છે, પરંતુ ઔદ્યોગિક વિસ્તારમાં સિંહના બચ્ચાની આ રીતે એન્ટ્રી ચિંતાનો વિષય બની છે.
વન્યજીવ નિષ્ણાતોના મતે, આસપાસના જંગલોમાંથી સિંહો ખોરાક અને પાણીની શોધમાં રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં આવતા હોવાના બનાવો વધી રહ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ફેક્ટરીમાં સિંહ દેખાતાં જ કામદારોએ સાવધાની રાખી હતી, અને બચ્ચું પાછું જંગલ તરફ જતાં રાહત થઈ હતી.
વન વિભાગે આ ઘટનાની જાણ થતાં ફેક્ટરી વિસ્તારમાં દેખરેખ વધારવાની સૂચના આપી છે, સાથે જ લોકોને સિંહ દેખાય તો સાવધાન રહેવા અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરી છે.