સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત હાઈકોર્ટે પ્રૌઢ દંપતીને IVF સારવારની મંજૂરી આપી

ગુજરાત હાઈકોર્ટે પ્રૌઢ દંપતીને IVF સારવારની મંજૂરી આપી

ગુજરાત હાઈકોર્ટે એક પ્રૌઢ દંપતીને ફરી માતા-પિતા બનવા માટે IVF સારવાર કરાવવાની મંજૂરી આપી છે. આ દંપતીએ 2020માં પોતાના 25 વર્ષના પુત્રને ગુમાવ્યો હતો, જે મેડિકલનો વિદ્યાર્થી હતો અને તેણે આત્મહત્યા કરી લીધી હતી.

મહિલા મેનોપોઝની સ્થિતિમાં હોવાથી કુદરતી રીતે ગર્ભધારણ કરી શકતી નથી, તેથી તેમણે મહેસાણામાં એક ART ક્લિનિકનો સંપર્ક કર્યો હતો. પરંતુ ડૉક્ટરે આસિસ્ટન્ટ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી રેગ્યુલેશન એક્ટ, 2021 હેઠળ નક્કી કરેલી મહત્તમ વય મર્યાદાનો ઉલ્લેખ કરીને સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો.

કાયદા મુજબ, મહિલાઓ માટે વય મર્યાદા 21થી 50 વર્ષ અને પુરુષો માટે 21થી 55 વર્ષ છે. આ દંપતીમાં મહિલા 50 વર્ષથી વધુ ઉંમરની છે, જ્યારે પતિની ઉંમર 54 વર્ષ છે.

દંપતીએ 31 મેના રોજ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર સમક્ષ મંજૂરી માટે અરજી કરી હતી, પરંતુ વય મર્યાદાને કારણે 3 જુલાઈએ મંજૂરી નકારી દેવામાં આવી હતી. આ પછી દંપતી હાઈકોર્ટ પહોંચ્યું.

દંપતીના વકીલે દલીલ કરી હતી કે દરેક કેસમાં વય મર્યાદા વ્યક્તિગત રીતે ધ્યાનમાં લેવી જોઈએ, અને જો બે ભાગીદારોમાંથી એક પણ વય મર્યાદામાં હોય તો સારવાર મંજૂર કરી શકાય. અહીં પતિની ઉંમર 54 વર્ષ છે, જે 55 વર્ષની વય મર્યાદામાં આવે છે.

સરકારી અધિકારીઓએ આ અરજીનો વિરોધ કર્યો હતો, પરંતુ હાઈકોર્ટે રેકોર્ડની તપાસ બાદ જણાવ્યું કે પત્નીએ 50 વર્ષનો ઉંબરો વટાવ્યો છે, પરંતુ પતિની ઉંમર 54 વર્ષ હોવાથી તે પાત્રતાના માપદંડમાં આવે છે. આથી દંપતીને IVF સારવારની મંજૂરી આપવામાં આવે છે.