સત્ય. સાહસ. સંકલ્પ.

GSRTCમાં 2,510 હેલ્પરની ભરતી: ₹21,900 ફિક્સ પગાર, 11 સપ્ટેમ્બરથી અરજી

GSRTCમાં 2,510 હેલ્પરની ભરતી: ₹21,900 ફિક્સ પગાર, 11 સપ્ટેમ્બરથી અરજી

ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ હેલ્પર વર્ગ-3ની સીધી ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. કુલ 2,510 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પસંદ થનાર ઉમેદવારોને ₹21,900 ફિક્સ પગાર મળશે અને નિમણૂક પાંચ વર્ષ માટે થશે.

અરજી પ્રક્રિયા 11 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 5 ઓક્ટોબર 2026ના રોજ રાત્રિ 11:45 વાગ્યા સુધી ચાલશે. ઉમેદવારો OJAS પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. પરીક્ષા અને મૂલ્યાંકન પ્રક્રિયા 7 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાશે.

કુલ જગ્યાઓમાં સરકારી નિયમો અનુસાર વિવિધ કેટેગરી માટે અનામત રાખવામાં આવી છે. જેમાં સામાન્ય, EWS, SEBC, SC અને ST કેટેગરીનો સમાવેશ થાય છે. માજી સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ખાસ અનામત છે.

અરજી કરતી વખતે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, વય, જાતિ પ્રમાણપત્ર, અનુભવ જેવા તમામ અસલ દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે. ખોટી કે અપૂર્ણ વિગતો પર અરજી રદ થઈ શકે છે.

ફોટો અને સહી JPG ફોર્મેટમાં નિર્ધારિત સાઇઝ સાથે અપલોડ કરવાના રહેશે. ઉમેદવારે ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપવો પડશે, કારણ કે સૂચનાઓ અને OTP આ માધ્યમથી મોકલવામાં આવશે.

ભરતી સંબંધિત અભ્યાસક્રમ, કોલ લેટર અને માર્ગદર્શિકા GSRTC અને OJASની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ થશે. ઉમેદવારોને ત્યાંથી માહિતી મેળવવા સૂચના આપવામાં આવી છે.