સત્ય. સાહસ. સંકલ્પ.

ઈશાન કિશને તોડ્યો રિઝવાનનો રેકોર્ડ, એક વર્ષમાં સૌથી વધુ 122 ચોગ્ગા ફટકાર્યા

ઈશાન કિશને તોડ્યો રિઝવાનનો રેકોર્ડ, એક વર્ષમાં સૌથી વધુ 122 ચોગ્ગા ફટકાર્યા

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની ટી20 સિરીઝની છેલ્લી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. વરસાદના કારણે આ મેચ પૂરી થઈ શકી નહીં, પણ ઈશાન કિશને આ મેચમાં પોતાની 10 બોલની ઇનિંગ દરમિયાન 30 રન બનાવીને એક મોટો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

કિશને આ ઇનિંગમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા. આ ત્રણ ચોગ્ગા સાથે તે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ફુલ-મેમ્બર ટીમો વચ્ચે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે 2026માં અત્યાર સુધીમાં કુલ 122 ચોગ્ગા ફટકાર્યા છે.

આ સાથે કિશને પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનનો રેકોર્ડ તોડ્યો છે. રિઝવાને 2021માં 119 ચોગ્ગા ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો. ઝિમ્બાબ્વેના બ્રાયન બેનેટ 2025માં 109 ચોગ્ગા સાથે ત્રીજા સ્થાને છે, તો ભારતના સૂર્યકુમાર યાદવ 2022માં 106 ચોગ્ગા સાથે ચોથા સ્થાને છે. પાકિસ્તાનના બાબર આઝમે 2021માં 99 ચોગ્ગા ફટકાર્યા હતા અને તે પાંચમા સ્થાને છે.

કિશને આ જ ઇનિંગ દરમિયાન એક વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રી (ચોગ્ગા અને છગ્ગા મળીને) ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તેણે સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 2022માં 174 બાઉન્ડ્રી ફટકારી હતી. કિશને 2026માં અત્યાર સુધી 34 મેચમાં 177 બાઉન્ડ્રી (122 ચોગ્ગા અને 55 છગ્ગા) ફટકારીને આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અભિષેક શર્મા 162 બાઉન્ડ્રી સાથે ત્રીજા સ્થાને છે.