સત્ય. સાહસ. સંકલ્પ.

ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં ભારતીય ટીમની પસંદગી અટકી: પંત, પ્રસિદ્ધ અને હર્ષિતની ફિટનેસ રિપોર્ટની રાહ

ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં ભારતીય ટીમની પસંદગી અટકી: પંત, પ્રસિદ્ધ અને હર્ષિતની ફિટનેસ રિપોર્ટની રાહ

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની ટેસ્ટ અને વન-ડે ટીમની પસંદગી હાલ અટકી પડી છે. કારણ છે ત્રણ ખેલાડીઓ — પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંત —ની ફિટનેસ. પસંદગી સમિતિ આ ખેલાડીઓના ફિટનેસ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

અહેવાલ મુજબ, પસંદગી સમિતિ ટીમ જાહેર કરવામાં અંતિમ સમય સુધી રાહ જોઈ શકે છે. બંને ટીમે 28 ઑક્ટોબરે ન્યૂઝીલેન્ડ માટે રવાના થવાનું છે.

વન-ડે સિરીઝ 4 નવેમ્બરથી શરૂ થશે, જ્યારે બે ટેસ્ટની સિરીઝ 19 નવેમ્બરથી રમાશે. 22 ઑક્ટોબરથી શરૂ થતા પ્રવાસ માટે ભારતીય T20 ટીમની જાહેરાત થઈ ચૂકી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCIનું સેન્ટર ઑફ એક્સલન્સ (CoE) રિહેબ પૂર્ણ થયા બાદ ખેલાડીઓને ફિટનેસ મંજૂરી આપવામાં સાવચેતી રાખી રહ્યું છે. પંત અને પ્રસિદ્ધની ઈજા પ્રથમ નજરે ગંભીર લાગતી નથી. એક સૂત્રએ કહ્યું, ‘CoE કોઈ જોખમ લેવા માંગતું નથી. આ જ કારણસર બંને ખેલાડીઓ ત્યાં પહોંચ્યા બાદ તેમને ત્રણ-ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો.’

છેલ્લા કેટલાક સમયથી CoE અને સિલેક્શન કમિટી વચ્ચેના સંકલન પર સવાલો ઊઠ્યા હતા. ત્યારબાદ CEO પ્રમુખ VVS લક્ષ્મણને સિલેક્શન મીટિંગમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટ હર્ષિત રાણાને બંને ફોર્મેટમાં સામેલ કરવા માગે છે. તેને નંબર 8 પર બેટિંગ કરનાર ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર તરીકે યોગ્ય વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણાને ટેસ્ટ અને ODI બંનેમાં ઝડપી બોલિંગ આક્રમણના મુખ્ય સભ્ય તરીકે જોવામાં આવી રહ્યો છે. જ્યારે બે ટેસ્ટની સિરીઝમાં રિષભ પંત બેટિંગની મુખ્ય કડી રહેશે.

પ્રસિદ્ધ કૃષ્ણાને 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ODI મેચ અધવચ્ચે છોડવી પડી હતી. તેને ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો.

BCCIએ સોમવારે જણાવ્યું કે રિષભ પંત 24 ઑક્ટોબરથી શરૂ થનારી પ્રથમ બે ઈન્ડિયા ‘A’ ચાર દિવસીય મેચમાં નહીં રમે. ઈરાની કપ મેચ દરમિયાન તેને સાઇડ સ્ટ્રેન થયું હતું. હર્ષિત રાણા સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને 25 જૂને રિટર્ન-ટુ-પ્લે મેચ સિમ્યુલેશનમાંથી પસાર થવાનું હતું.