આસો મહિનાના સુદ પક્ષની પ્રથમ તિથિથી શારદીય નવરાત્રિનો પાવન પર્વ શરૂ થાય છે. નવ દિવસ ચાલતા આ ઉત્સવમાં ભક્તો ઉપવાસ રાખીને માતા દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરે છે. આ દરમિયાન ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે ઉપવાસમાં સિંધવ મીઠું (રોક સોલ્ટ) વાપરવાથી વ્રત ખંડિત થાય છે કે નહીં. ચાલો જાણીએ આ અંગેના નિયમો.
નવરાત્રિના વ્રત દરમિયાન અનાજ લેવામાં આવતું નથી. ઉપવાસમાં માત્ર ફરાળ જ સ્વીકાર્ય હોય છે, જેથી શરીરમાં ઊર્જા જળવાઈ રહે અને વ્રતના નિયમોનું પાલન થાય. ફરાળમાં તાજા ફળો, રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ, મોરૈયો, સૂકો મેવો, દૂધ, દહીં અને નાળિયેરની વાનગીઓનો સમાવેશ થાય છે. ઉપવાસની રસોઈમાં સામાન્ય સફેદ મીઠાના બદલે માત્ર સિંધવ મીઠાનો જ ઉપયોગ કરવામાં આવે છે.
શાસ્ત્રો અને આયુર્વેદ અનુસાર સિંધવ મીઠું સૌથી શુદ્ધ માનવામાં આવે છે, તેથી તેના ઉપયોગથી વ્રત ખંડિત થતું નથી. તે સંપૂર્ણપણે સાત્વિક છે. બજારમાં મળતા સામાન્ય મીઠાની જેમ તેને કેમિકલ પ્રોસેસિંગમાંથી પસાર કરવામાં આવતું નથી, પરંતુ તે કુદરતી રીતે શુદ્ધ પથ્થરના રૂપમાં મળે છે. આ પ્રાકૃતિક શુદ્ધતાના કારણે જ ધાર્મિક કાર્યો અને ઉપવાસના ભોજનમાં તેને પ્રથમ પ્રાથમિકતા અપાય છે. તેથી ફરાળમાં સિંધવ મીઠું વાપરવામાં કોઈ શંકા નથી.
ફરાળ બનાવતી વખતે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. ફરાળ તૈયાર કરતાં પહેલાં રસોડું અને તમામ વાસણો સંપૂર્ણપણે સ્વચ્છ હોવા જોઈએ. સિંધવ મીઠાને હંમેશાં અલગ, ઢાંકેલા અને સ્વચ્છ ડબ્બામાં રાખવું, જેથી સામાન્ય મીઠું કે અશુદ્ધ વસ્તુ તેમાં ભળી ન જાય. ફરાળ બનાવતી વખતે સામાન્ય મીઠામાં વપરાયેલી ચમચી કે કડછીનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો. ફરાળ રાંધવા માટે શુદ્ધ દેશી ઘી અથવા સીંગતેલનો જ ઉપયોગ કરવો, કારણ કે સરસવનું તેલ કે રિફાઇન્ડ તેલ વ્રતમાં નિષેધ માનવામાં આવે છે.
આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી ભોજનની સાત્વિકતા અને વ્રતની પવિત્રતા જળવાઈ રહે છે.
નોંધ: આ માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. કોઈપણ નિર્ણય લેતા પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.