સત્ય. સાહસ. સંકલ્પ.

IPL ટ્રેડ: અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સમાં, હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં

IPL ટ્રેડ: અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સમાં, હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027ની મીની-ઓક્શન પહેલાં ટ્રેડિંગ વિન્ડોમાં મોટો ફેરફાર થયો છે. ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પંજાબ કિંગ્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાશે. તેમના પિતાએ આ ડીલની પુષ્ટિ કરી છે. આ સ્વેપ ડીલ હેઠળ હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ છોડીને પંજાબ કિંગ્સમાં વાપસી કરશે. બંને ફ્રેન્ચાઈઝી વચ્ચેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે માત્ર BCCI તથા IPL ગવર્નિંગ કાઉન્સિલની ઔપચારિક મંજૂરી બાકી છે.

અર્શદીપ સિંહના પિતાએ એક ખાનગી મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, "હા, ટ્રેડ થઈ ગયો છે. અમે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈને ખુશ છીએ. અમને પણ આ બાબતે અચાનક જ જાણ થઈ હતી. તે પોતાના વતનથી દૂર જઈ રહ્યો છે તેનું થોડું દુઃખ ચોક્કસ છે. પરંતુ તમામ ફ્રેન્ચાઈઝીઓ ટીમમાં સંતુલન બનાવવા માંગતી હોય છે, તેથી તેમણે તેને ટ્રેડ કર્યો છે. અમે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈને પણ ખૂબ ખુશ છીએ."

અર્શદીપ સિંહે 2019માં પોતાની IPL કારકિર્દીની શરૂઆત પંજાબ કિંગ્સ સાથે કરી હતી અને ત્યારથી તે આખી કારકિર્દી પંજાબ તરફથી જ રમ્યો છે. અર્શદીપે IPLમાં 96 મેચોમાં 111 વિકેટો ઝડપી છે અને તે ટૂર્નામેન્ટના સૌથી ભરોસાપાત્ર ડાબોડી સીમરોમાંનો એક બની ગયો છે. નવો બોલ સ્વિંગ કરાવવાની ક્ષમતા અને ઇનિંગ્સના અંતે યોર્કર ફેંકવાની તેની કુશળતા મુંબઈ ઈન્ડિયન્સને બંને છેડે મજબૂત સ્પેશિયાલિસ્ટ પ્રદાન કરશે. અર્શદીપના આવવાથી મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઈંગ ઈલેવનમાં વિદેશી ફાસ્ટ બોલર પર નિર્ભર રહ્યા વિના અન્ય વિદેશી બેટર્સ કે ઓલરાઉન્ડર્સને સમાવવાની મોટી છૂટ મળશે.

આ સ્વેપ ડીલના ભાગરૂપે હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સની ટીમમાં જઈ શકે છે. પંજાબ માટે હાર્દિકનું મૂલ્ય મિડલ ઓર્ડરમાં આક્રમક પાવર-હિટિંગ અને સીમ-બોલિંગ ઓલરાઉન્ડર તરીકે બેલેન્સ લાવવાનું છે. હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં કેપ્ટન તરીકે નહીં પરંતુ એક ખેલાડી તરીકે જોડાઈ શકે છે. પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે શ્રેયસ ઐયર જ ચાલુ રહેશે તેવી અપેક્ષા છે.

હાર્દિક પંડ્યાએ 2015થી 2021 સુધી મુંબઈ ઈન્ડિયન્સમાં રમતો હતો. ત્યારબાદ 2022માં ગુજરાત ટાઇટન્સમાં જઈને પોતાની ડેબ્યૂ સીઝનમાં જ ટીમને ચેમ્પિયન બનાવી હતી. IPL 2024 પહેલાં તે મુંબઈમાં પરત ફર્યો હતો અને ત્યારપછીની 3 સીઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ સંભાળ્યું હતું. હવે તેનો આ બીજો કાર્યકાળ પણ પૂર્ણ થવા જઈ રહ્યો છે.

IPL 2027 માટેનું મીની-ઓક્શન 16 ડિસેમ્બરના રોજ ગોવા ખાતે યોજાવાનું નિર્ધારિત છે.