જમ્મુ-કાશ્મીરમાં તહેનાત સેનાના એક અધિકારીની પત્ની સામે વિદેશી ગુપ્તચર એજન્ટોને સંવેદનશીલ માહિતી પૂરી પાડવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ એજન્ટોમાં ચીન સાથે સંકળાયેલા લોકો પણ સામેલ હોવાનું માનવામાં આવે છે. મહિલા પર સોશિયલ મીડિયાના માધ્યમથી સંવેદનશીલ વિગતો એકઠી કરીને તેમને શેર કરવાનો આરોપ છે. આ ઘટનાએ સેનાના સોશિયલ મીડિયા નિયમોમાં રહેલી ખામીઓ અને પરિવારજનો પર આર્મી એક્ટ લાગુ ન પડવા અંગે સવાલો ઊભા કર્યા છે.
ભારતીય સેનામાં ફરજ બજાવતા અધિકારીઓ અને જવાનો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર અત્યંત સખત પાબંધીઓ છે. તેમને પોતાની લાઈવ કે કરંટ લોકેશન ટેગ કરવાની મનાઈ છે. કોઈ અજાણી વ્યક્તિ ઓનલાઈન સંપર્ક કરે તો તુરંત ઉચ્ચ અધિકારીઓને જાણ કરવી ફરજિયાત છે. ડિસેમ્બર 2025માં નીતિમાં સુધારો કરીને યુનિફોર્મમાં ફોટો પોસ્ટ કરવા અને લોકેશન ટ્રેસ થઈ શકે તેવી સામગ્રી શેર કરવા પર સખત પ્રતિબંધ યથાવત્ રખાયો છે.
જોકે, આ કડક નિયમો માત્ર સેવારત કર્મચારીઓ પર જ લાગુ પડે છે, તેમના પરિવારજનો (પત્ની કે બાળકો) પર નહીં. મીડિયા રિપોર્ટ મુજબ, આર્મી એક્ટ અધિકારીઓના જીવનસાથીઓ પર લાગુ પડતો નથી, તેથી સેવા નિયમો હેઠળની પાબંધીઓ તેમના પર સીધી રીતે લાદી શકાતી નથી. પરંતુ કોઈ નાગરિક ગુનો કરે તો તેમની સામે 'ઓફિશિયલ સીક્રેટ્સ એક્ટ' હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ જ કારણસર પરિવારજનો માટે નિયમોના દાયરા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
છેલ્લા એક દાયકામાં પાકિસ્તાની અને અન્ય વિદેશી ગુપ્તચર એજન્સીઓ દ્વારા મહિલાઓના નામે ફેક આઈડી બનાવીને સેનાના જવાનોને જાળમાં ફસાવવાના (હનીટ્રેપ) અનેક કિસ્સા બન્યા છે. ડિસેમ્બર 2019માં નેવીના 7 કર્મચારીઓની ફેસબુક દ્વારા ફસાવીને માહિતી લીક કરવા બદલ ધરપકડ કરાઈ હતી. આ ઉપરાંત, વાયુસેનાના અધિકારીઓ પર પણ યુદ્ધાભ્યાસ અને અન્ય માહિતી લીક કરવાના આરોપો સામે કાર્યવાહી થઈ ચૂકી છે.
નિયમો સીધા લાગુ ન થતા હોવા છતાં, સેના દ્વારા આંતરિક કલ્યાણ સંગઠનો અને અધિકારીઓની પત્નીઓના મંડળો દ્વારા જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. સેનાએ 2019માં પણ પરિવારોને સોશિયલ મીડિયા પરથી યુનિફોર્મવાળા ફોટોઝ અને સેના સંબંધિત વિગતો હટાવવાની સલાહ આપી હતી. સંરક્ષણ મંત્રાલય અને ત્રણેય સેનાના મુખ્યાલયો તથા ઓપરેશનલ વિસ્તારોમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા એપ્સના ઉપયોગ પર પહેલેથી જ સખત પ્રતિબંધ છે.