બિગ બોસ 16 ફેમ અભિનેત્રી અર્ચના ગૌતમના મુંબઈના કાફેમાં ચોરીની ઘટના સામે આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર સીસીટીવી ફૂટેજ શેર કર્યા છે, જેમાં એક વ્યક્તિ કાફેમાંથી આખું કેશ કાઉન્ટર લઈને ભાગતો જોવા મળે છે.
અર્ચનાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં લખ્યું, "મારા મુંબઈ કાફેમાં ચોરી થઈ છે. આ સીસીટીવી ફૂટેજ તમારી સાથે શેર કરું છું, જેથી તમે પણ સતર્ક રહો અને તમારા ઘર તથા બિઝનેસની સુરક્ષાનું ધ્યાન રાખો."
અર્ચનાએ જણાવ્યું કે તેમણે આ કાફે ખૂબ પ્રેમ અને મહેનતથી બનાવ્યો હતો, જેમાં તેમની બચતનું રોકાણ કર્યું હતું. તેમણે કહ્યું, "હું પર્સનલી દરેક નાની-મોટી વસ્તુ એક સાથે લાવવા માટે ખૂબ મહેનત કરી હતી. પરંતુ એક ચોર મારા કાફેમાં ઘૂસી ગયો અને આખું કેશ કાઉન્ટર ચોરી કરી લઈ ગયો."
તેમણે વધુમાં જણાવ્યું કે ચોરી અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને મુંબઈ પોલીસને કાર્યવાહી કરવાની અપીલ કરી છે. તેમણે લખ્યું, "હું મુંબઈ પોલીસને વિનમ્રતાપૂર્વક અનુરોધ કરું છું કે આ વ્યક્તિને જલદી ઓળખી કાઢો અને તેની સામે યોગ્ય કાર્યવાહી કરો."
અર્ચનાએ ચાહકોને સતર્ક રહેવાની અપીલ કરી છે અને કહ્યું કે આ ઘટનાથી તે ખૂબ દુખી છે. તેમણે લોકોને તેમની આસપાસની સુરક્ષા પર ધ્યાન આપવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અર્ચનાએ ઓક્ટોબર 2025માં મુંબઈમાં 'ઓયે ચુરોસ' નામનું કાફે લોન્ચ કર્યું હતું. અંધેરી વેસ્ટમાં વર્સોવા મેટ્રો સ્ટેશનની નજીક આવેલું આ કાફે 9 ઓક્ટોબર 2025ના રોજ અધિકૃત રીતે ખોલવામાં આવ્યું હતું.
અર્ચના ગૌતમ અભિનેત્રી, મોડલ અને બ્યુટી પેજન્ટમાં ભાગ લઈ ચૂકી છે. બિગ બોસ 16થી ચર્ચામાં આવેલી અર્ચના તેની બેબાક પર્સનાલિટી માટે જાણીતી છે. તે ખતરો કે ખેલાડી, સેલિબ્રિટી માસ્ટરશેફ ઈન્ડિયા અને રિયાલિટી રાની ઓફ ધ જંગલ 2 જેવા શોમાં પણ ભાગ લઈ ચૂકી છે.