અરવલ્લી જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસની કાર્યવાહી દરમિયાન બુધવારે વહેલી સવારે માલપુર તાલુકાના મોરડુંગરી નજીક પોલીસ અને બિશ્નોઈ ગેંગના આરોપીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. પોશડોડા ભરેલી ફોર્ચ્યુનર કારને રોકવા જતાં આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું, જેના જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી LCBની ટીમને પોશડોડા ભરેલી ફોર્ચ્યુનર કાર પસાર થવાની બાતમી મળી હતી. તેના આધારે માલપુર નજીક મોરડુંગરી ખાતે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે કાર રોકવાનો પ્રયાસ કરતાં કારમાં સવાર બે આરોપીઓએ પોલીસ ટીમ પર બે રાઉન્ડ પોઈન્ટ બ્લેન્ક ફાયરિંગ કર્યું હતું.
આ પછી LCB ટીમે જવાબી કાર્યવાહીમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતાં એક આરોપી પગમાં ઈજાગ્રસ્ત થયો હતો, જેને પોલીસે ઝડપી લીધો હતો. બીજો આરોપી ફરાર થઈ ગયો છે. ઝડપાયેલા આરોપી પાસેથી એક માઉઝર પિસ્તોલ મળી આવી હતી. બાદમાં ફોર્ચ્યુનર કારની તલાશી લેતાં તેમાંથી વધુ એક માઉઝર પિસ્તોલ મળી આવી હતી. આમ, પોલીસે કુલ બે પિસ્તોલ કબજે કરી છે.
આ અથડામણમાં અરવલ્લી LCBના ત્રણ પોલીસ કર્મચારીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. તેમામમાં LCB PI એમ.એચ. ઝાલા, PSI પી.પી. સોલંકી અને ASI કલ્પેશસિંહનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, 22 સપ્ટેમ્બરે પણ અરવલ્લીમાં પોશડોડા ભરેલી સ્કોર્પિયો કાર પર SOG પોલીસે ફાયરિંગ કર્યું હતું. ધનસુરાના શિનોલ ગામ પાસે થયેલી આ ઘટના બાદ 10 દિવસમાં આ બીજી ઘટના છે. બંનેમાં બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું છે.
પોલીસે આરોપીઓ, પોશડોડાનો જથ્થો અને હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી છે. NDPS હેઠળ કાર્યવાહી કરતી અરવલ્લી પોલીસ આ ઘટનાઓ બાદ વધુ આક્રમક બની છે.