સત્ય. સાહસ. સંકલ્પ.

ધનસુરા પાસે બિશ્નોઈ ગેંગ સાથે પોલીસની અથડામણ, પીઆઈએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

ધનસુરા પાસે બિશ્નોઈ ગેંગ સાથે પોલીસની અથડામણ, પીઆઈએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિનોલ ગામ પાસે એસઓજી પોલીસની ટીમ અને બિશ્નોઈ ગેંગના આરોપીઓ વચ્ચે અથડામણ થઈ છે. પોલીસે પોષ ડોડા ભરેલી એક સ્કોર્પિયો કાર ઝડપી પાડી છે.

એસઓજીના પીઆઈ પી.બી. ચૌધરીએ જણાવ્યું કે બાતમીના આધારે કાળા રંગની શંકાસ્પદ સ્કોર્પિયો કારનો પીછો કરવામાં આવી રહ્યો હતો. કારને રોકવાનો પ્રયાસ કરતાં તે પોલીસ વાહન સાથે અથડાઈ હતી.

આ દરમિયાન આરોપીઓએ પોલીસ પર હુમલો કરવાના ઈરાદે રિવોલ્વર જેવી બંદૂક તાકી હતી. જવાબમાં પીઆઈ ચૌધરીએ સ્વબચાવ માટે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

અથડામણ અને વાહન ભટકાવાને કારણે પોલીસ વાહનના ડ્રાઈવર પ્રકાશસિંહ અને પીઆઈ પી.બી. ચૌધરીને ઈજાઓ પહોંચી છે. સ્કોર્પિયોમાં ગોળીનું નિશાન અને ફૂટેલું કારતૂસ મળી આવ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર આરોપીઓ બિશ્નોઈ ગેંગના હોવાની શક્યતા છે. હાલ બંને આરોપીઓ ફરાર છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ગુનેગારો અન્ય રાજ્યમાં ભાગી ન છૂટે તે માટે ગુજરાત-રાજસ્થાન બોર્ડરના ચેકપોસ્ટો પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે અને એલર્ટ જાહેર કરાયો છે.

ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ વિશેષ કવાયત ચલાવી રહી છે.