ગાંધીનગર: ગુજરાત સરકારે આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓના શૈક્ષણિક પર્યાવરણને સુધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 'ન્યૂ ગુજરાત પેટર્ન' યોજના હેઠળ અરવલ્લી જિલ્લાની 29 આશ્રમશાળાઓ, ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયો અને માધ્યમિક શાળાઓને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે રૂ. 1.50 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને દૈનિક જીવનને વધુ સુવિધાજનક બનાવવા માટે કરાશે.
આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય મંત્રી પૂનમચંદ બરંડાના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ પગલાથી જિલ્લાના આશરે 4,922 આદિજાતિ વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.
આ ભંડોળમાંથી છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ગાદલા સાથેના ખાસ બંક બેડ, વર્ગખંડોમાં નવી અને આરામદાયક બેન્ચ, કપડાં ધોવા માટે વૉશિંગ મશીન, પીવાના શુદ્ધ પાણી માટે RO સિસ્ટમ અને ઊર્જા બચત માટે સોલાર રૂફટોપ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
સરકારે આ તમામ કામો પ્રવર્તમાન ખરીદી નીતિ અને નાણાકીય નિયમો અનુસાર કરવાની સૂચના આપી છે. સાધનોની ગુણવત્તા જળવાય અને વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે સમાધાન ન થાય તેની કડક તકેદારી રખાશે. આધુનિક ઉપકરણોના યોગ્ય ઉપયોગ માટે સ્થાનિક સ્ટાફને તાલીમ અને ડેમો આપવામાં આવશે.
વધુમાં, ખરીદેલી તમામ સામગ્રીની વોરંટી, ગેરંટી અને આફ્ટર-સેલ્સ સર્વિસનું પાલન સુનિશ્ચિત કરાશે. દરેક વસ્તુની નોંધ સ્ટોક રજિસ્ટરમાં કરવામાં આવશે અને સતત મોનિટરિંગ કરાશે, જેથી પ્રક્રિયામાં 100 ટકા પારદર્શિતા રહે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને ટેકનોલોજીના આ સમન્વયથી દૂરના વિસ્તારોના વિદ્યાર્થીઓને સમાન તકો મળે તેવો સરકારનો ઉદ્દેશ છે.