સત્ય. સાહસ. સંકલ્પ.

આકિબ નબી ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા સરે વતી કાઉન્ટી ચેમ્પિયનશિપ રમશે, આજથી યોર્કશાયર સામે મુકાબલો

આકિબ નબી ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા સરે વતી કાઉન્ટી ચેમ્પિયનશિપ રમશે, આજથી યોર્કશાયર સામે મુકાબલો

ભારતના ઝડપી બોલર આકિબ નબી ન્યૂઝીલેન્ડ પ્રવાસની તૈયારી માટે ઇંગ્લેન્ડ પહોંચ્યા છે. તે સરે (Surrey) ક્લબ વતી કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન-1ની ત્રણ મેચ રમશે. આ મેચો તેમને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં સારી તૈયારી કરવામાં મદદ કરશે.

ધ હિન્દુના અહેવાલ મુજબ, આકિબ મંગળવારે લંડન પહોંચ્યા છે. તેઓ બુધવારથી ધ ઓવલ (The Oval) મેદાન પર યોર્કશાયર સામે રમતા જોવા મળશે. નબીને ત્યાં એવી જ પરિસ્થિતિઓનો સામનો કરવાનો મોકો મળશે, જેવી નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની બે ટેસ્ટ મેચો દરમિયાન અપેક્ષિત છે.

સરેની ટીમમાં આ પહેલા મહિપાલ લોમરોર, રાહુલ ચહર અને સાઈ સુદર્શન જેવા ભારતીય ખેલાડીઓ રમી ચૂક્યા છે. આકિબ પણ આ યાદીમાં જોડાયા છે.

ઈન્ડિયા-એ સિરીઝ પહેલા આકિબ ભારત પરત ફરશે તેવી અપેક્ષા છે. પુડુચેરીમાં ઓસ્ટ્રેલિયા-એ સામેની ચાર દિવસીય મેચોની શ્રેણી 22 સપ્ટેમ્બરથી શરૂ થશે.

નબીને શ્રીલંકા સિરીઝ માટે ભારતની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, કારણ કે જસપ્રીત બુમરાહને BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સમાંથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યું નહોતું. જોકે, નબી બંને ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન મેળવી શક્યા. 26 ઑગસ્ટે કોલંબોમાં વૉર્મઅપ સેશન દરમિયાન આકિબ નબીનો ફોટો પણ સામે આવ્યો હતો.

2025-26ની સીઝન નબી માટે ખૂબ સફળ રહી છે. તેણે જમ્મુ-કાશ્મીરની પ્રથમ રણજી ટ્રોફી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં 60 વિકેટ લીધી હતી. આમાં ફાઇનલની પાંચ વિકેટ પણ સામેલ છે. આ દરમિયાન તેણે કેએલ રાહુલ, કરુણ નાયર અને આર સ્મરણ જેવા ખેલાડીઓને પણ આઉટ કર્યા હતા. નબીના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 150થી વધુ વિકેટ છે.

આ જ સમયગાળામાં નબીએ IPLમાં પણ ડેબ્યૂ કર્યું છે. દિલ્હી કેપિટલ્સે તેમને 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. તેણે ટીમ માટે પાંચ મેચ રમી, પરંતુ કોઈ વિકેટ મેળવી શક્યા નહીં. તેમનો ઇકોનોમી રેટ 11.46 રહ્યો હતો.