સત્ય. સાહસ. સંકલ્પ.

એપલ ઓક્ટોબરમાં બે મોટા લોન્ચ કરશે: પહેલી ટચસ્ક્રીન મેકબુક અને OLED આઈપેડ મિની

એપલ ઓક્ટોબરમાં બે મોટા લોન્ચ કરશે: પહેલી ટચસ્ક્રીન મેકબુક અને OLED આઈપેડ મિની

એપલ આ મહિને બે મોટા લોન્ચ ઇવેન્ટ યોજવાની તૈયારીમાં છે. મીડિયા અહેવાલો અનુસાર, કંપની ઓક્ટોબરના અંતમાં એક ઇવેન્ટ કરશે જેમાં તેનું પ્રથમ ટચસ્ક્રીન મેકબુક અને નવું આઈપેડ મિની રજૂ થઈ શકે છે. આ ઉપરાંત, 13 ઓક્ટોબરે એપલ સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ માટે અલગ ઇવેન્ટ યોજશે.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઓક્ટોબરના અંતમાં (સંભવતઃ 27 ઓક્ટોબરે) યોજાનારી ઇવેન્ટમાં M6 ચિપસેટવાળા નવા મેકબુક અને આઈમેક મોડલ્સ પણ રજૂ થશે. આ ઇવેન્ટ ઓનલાઇન વીડિયો પ્રેઝન્ટેશન ઉપરાંત વ્યક્તિગત પ્રેસ સેશન તરીકે પણ યોજાશે. કંપનીનું ધ્યાન વીડિયો પ્રોડક્શન, ફોટો એડિટિંગ અને મ્યુઝિક પ્રોડક્શન સાથે જોડાયેલા ક્રિએટિવ પ્રોફેશનલ્સ પર રહેશે.

એપલનું પ્રથમ ટચસ્ક્રીન મેકબુક

અહેવાલ અનુસાર, ઇવેન્ટમાં એપલ ટચસ્ક્રીન મેકબુક પ્રો લોન્ચ કરી શકે છે. નવા મોડલ્સના કોડનેમ K114 અને K116 હોવાનું કહેવાય છે. તેમાં OLED ડિસ્પ્લે મળશે અને તે હાલના મેકબુક મોડલ્સ કરતાં ઘણું હળવું હશે. આઈફોનમાં જોવા મળતું ડાયનેમિક આઇલેન્ડ ઇન્ટરફેસ પહેલી વાર આ મેકબુકમાં પણ જોવા મળી શકે છે.

M6 ચિપવાળા મેકબુક પ્રો અને આઈમેક

ટચસ્ક્રીન મેકબુક ઉપરાંત, એપલ તેના નિયમિત મેકબુક પ્રો (કોડનેમ J804) અને આઈમેક (કોડનેમ J833)ને પણ અપડેટ કરવાની તૈયારીમાં છે. આ મોડલ્સ હાલની ડિઝાઇન જાળવી રાખીને નવા M6 ચિપસેટ પર શિફ્ટ થશે.

નવું આઈપેડ મિની: OLED સ્ક્રીન અને લેન્ડસ્કેપ કેમેરા

નવું આઈપેડ મિની (કોડનેમ J510) મોટા અપગ્રેડ સાથે આવી શકે છે. તેમાં પહેલી વાર OLED પેનલનો ઉપયોગ થઈ શકે છે. વિડિયો કૉલિંગ સુધારવા માટે ફ્રન્ટ કેમેરાને લેન્ડસ્કેપ પોઝિશનમાં શિફ્ટ કરાશે અને સ્પીકર સિસ્ટમ પણ અપગ્રેડ થશે. એપલે આઈપેડ મિની 2024માં અપડેટ કર્યું હતું.

13 ઓક્ટોબરે સ્માર્ટ હોમ ઇવેન્ટ

મેક અને આઈપેડના લોન્ચ પહેલાં એપલ 13 ઓક્ટોબરે સ્માર્ટ હોમ ઇવેન્ટ યોજશે. આ ઇવેન્ટમાં ડિસ્પ્લે ધરાવતું એપલનું પહેલું સ્માર્ટ હોમ હબ, નવું હોમપોડ મિની અને અપડેટેડ એપલ ટીવી રજૂ થઈ શકે છે. આ તમામ સ્માર્ટ ડિવાઇસને કંટ્રોલ કરવામાં સિરીની મુખ્ય ભૂમિકા રહેશે.

નવા CEOના નેતૃત્વ હેઠળનો પહેલો મોટો લોન્ચ તબક્કો

ગયા મહિને જ જૉન ટર્નસે એપલના નવા CEO તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમના નેતૃત્વ હેઠળ કંપનીનો આ પહેલો મોટો પ્રોડક્ટ લોન્ચ તબક્કો હશે. રિપોર્ટ અનુસાર, કંપની આવતા વર્ષની પહેલી છમાસિક માટે પણ અનેક નવા મેક અને આઈપેડ પર કામ કરી રહી છે.

ડાયનેમિક આઇલેન્ડ શું છે?

ડાયનેમિક આઇલેન્ડ એપલની એક ખાસ સોફ્ટવેર ટેક્નોલોજી છે, જે સ્ક્રીનના ઉપરના ભાગને (નોચ/કટઆઉટ) નોટિફિકેશન, લાઇવ એક્ટિવિટીઝ (જેમ કે મ્યુઝિક, ટાઇમર, કૉલ્સ) અને અલર્ટ્સ બતાવતા એક ઇન્ટરેક્ટિવ વિજેટમાં બદલી દે છે. આઈફોન પછી પહેલીવાર તેને મેકબુક લાઇનઅપમાં આપવાની ચર્ચા છે.