સત્ય. સાહસ. સંકલ્પ.

જ્હોન ટર્નસ એપલના નવા CEO, ટિમ કૂક એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા

જ્હોન ટર્નસ એપલના નવા CEO, ટિમ કૂક એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા

એપલ કંપનીમાં મોટો ફેરફાર થયો છે. જ્હોન ટર્નસે હવે એપલના CEO તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. તેઓ અગાઉ સિનિયર હાર્ડવેર એક્ઝિક્યુટિવ હતા. ટિમ કૂક, જેઓ છેલ્લા 15 વર્ષથી CEO હતા, તેઓ હવે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના એક્ઝિક્યુટિવ ચેરમેન બનશે.

કૂકે 2011માં સ્ટીવ જોબ્સ પછી CEO નો હોદ્દો સંભાળ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ એપલની માર્કેટ વેલ્યુ 350 બિલિયન ડોલરથી વધીને 4 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે. કંપનીની વાર્ષિક આવક પણ 108 બિલિયન ડોલરથી વધીને 416 બિલિયન ડોલર થઈ છે.

જ્હોન ટર્નસ 2001થી એપલ સાથે જોડાયેલા છે. તેઓ પ્રોડક્ટ ડિઝાઇન ટીમમાં જોડાયા હતા અને 2013માં હાર્ડવેર એન્જિનિયરિંગના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા. તેમણે આઇફોન, આઇપેડ, મેક, એરપોડ્સ, એપલ વોચ અને વિઝન પ્રો જેવા ઉત્પાદનોના હાર્ડવેર એન્જિનિયરિંગનું નેતૃત્વ કર્યું છે.

ટર્નસને આ નાણાકીય વર્ષ માટે લગભગ 58 મિલિયન ડોલર (લગભગ 551 કરોડ રૂપિયા) નું પેકેજ મળશે. જ્યારે ટિમ કૂકને ચેરમેન તરીકે લગભગ 47 મિલિયન ડોલર (લગભગ 446 કરોડ રૂપિયા) મળશે. કૂક CEO તરીકે ગયા વર્ષે લગભગ 74.3 મિલિયન ડોલર કમાયા હતા.

51 વર્ષના ટર્નસે કહ્યું, 'એપલના મિશનને આગળ વધારવાની તક મળવા બદલ હું આભારી છું. મેં મારી કારકિર્દી એપલમાં વિતાવી છે, અને સ્ટીવ જોબ્સ અને ટિમ કૂક જેવા માર્ગદર્શકો મળ્યા છે.'

કૂકે ટર્નસની પ્રશંસા કરતાં કહ્યું, 'જ્હોન પાસે એન્જિનિયરનું મગજ, શોધકનો આત્મા અને ઇમાનદારી સાથે નેતૃત્વ કરનારું હૃદય છે.'

નોંધપાત્ર વાત એ છે કે 9 સપ્ટેમ્બરે એપલની વાર્ષિક લોન્ચિંગ ઇવેન્ટમાં નવા આઇફોન પ્રો મોડલ્સ સાથે પ્રથમ વખત ફોલ્ડેબલ આઇફોન પણ રજૂ થઈ શકે છે.