એપલે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ આવક નોંધાવી છે. કંપનીના CEO જૉન ટર્નસે અર્નિંગ્સ કૉલ દરમિયાન આ માહિતી આપી હતી. જોકે, ભારતમાંથી થયેલી આવકનો આંકડો તેમણે જાહેર કર્યો નથી.
વૈશ્વિક સ્તરે એપલની આવક 114.5 અબજ ડૉલર (આશરે 10.80 લાખ કરોડ રૂપિયા) રહી છે, જે ગયા વર્ષના સમાન ગાળાના 102.5 અબજ ડૉલરની સરખામણીએ લગભગ 12% વધુ છે. સમગ્ર વર્ષ દરમિયાન એપલની આવક 479 અબજ ડૉલર (આશરે 45 લાખ કરોડ રૂપિયા) રહી છે, જે ગયા વર્ષે 416 અબજ ડૉલર હતી.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આઇફોન સૌથી મોટું ઉત્પાદન રહ્યું, જેણે 57.6 અબજ ડૉલરની આવક આપી, જે કુલ આવકના 50.3% છે. સર્વિસિસ વિભાગે 31.6 અબજ ડૉલર (27.6%), મેકે 10.8 અબજ ડૉલર (9.4%), વેરેબલ્સે 8.3 અબજ ડૉલર (7.3%) અને આઇપેડે 6.2 અબજ ડૉલર (5.4%)નું યોગદાન આપ્યું છે.
ભારતમાં આ વૃદ્ધિનું મુખ્ય કારણ આઇફોનનું પ્રદર્શન રહ્યું છે, ખાસ કરીને જૂના આઇફોનને નવા મોડલમાં અપગ્રેડ કરનારા યુઝર્સની સંખ્યા વધી છે. મેક કમ્પ્યુટર્સ અને સર્વિસિસ બિઝનેસે પણ ભારતમાં વૃદ્ધિને ટેકો આપ્યો છે. એપલના પ્રમુખ ટિમ કુકે ભારતને કંપનીના વૈશ્વિક બિઝનેસ માટે મહત્ત્વપૂર્ણ વૃદ્ધિ એન્જિન ગણાવ્યું છે.
ભારતીય બજારમાં આ વૃદ્ધિ પાછળ ચાર મુખ્ય પરિબળો જવાબદાર છે: EMI અને સરળ લોનની સુવિધાથી મોંઘા ઉપકરણો બજેટમાં આવી ગયા છે; જૂના ફોનના બદલામાં સારી કિંમત મળી રહી છે; 'મેડ ઇન ઇન્ડિયા'ને કારણે સપ્લાય અને ઉપલબ્ધતા વધી છે; અને ટિયર-2 તથા ટિયર-3 શહેરો સુધી સ્ટોર્સ અને રીસેલર્સની પહોંચ વધી છે.
CEO જૉન ટર્નસે અર્નિંગ્સ કૉલમાં જણાવ્યું કે એપલે એક્સિસ બેંક સાથે મળીને ભારતમાં એપલ પે લોન્ચ કર્યું છે. તેનાથી ભારતીય આઇફોન યુઝર્સ હવે વધુ સુરક્ષિત અને સરળ રીતે ડિજિટલ પેમેન્ટ કરી શકશે.
વૈશ્વિક સ્તરે એપલના સક્રિય ઉપકરણોની સંખ્યા 2.5 અબજને વટાવી ગઈ છે, જે અત્યાર સુધીની સૌથી ઊંચી છે. કંપનીના આંકડા મુજબ, આ ગાળામાં આઇપેડ અને એપલ વૉચ ખરીદનારા 50%થી વધુ ગ્રાહકો પ્રથમ વખત ખરીદી કરનારા હતા.