બુધવારે રાત્રે એપલની આંતરરાષ્ટ્રીય સેવાઓમાં મોટો બ્રેકડાઉન સર્જાયો હતો. આઈક્લાઉડ, એપ સ્ટોર, એપલ પે, એપલ મ્યુઝિક અને સપોર્ટ સેવાઓ ઠપ થઈ જતાં ભારત સહિત વિશ્વભરના કરોડો યુઝર્સને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આઈફોન અને મેકબુક યુઝર્સ અચાનક લોગઆઉટ થઈ જવા અને એપ્સ ડાઉનલોડ ન થવાથી મુશ્કેલીમાં મુકાયા હતા.
આઉટેજ ટ્રેક કરતી વેબસાઇટ 'ડાઉનડિટેક્ટર' પર હજારો ફરિયાદો નોંધાઈ હતી. યુઝર્સે જણાવ્યું કે આઈક્લાઉડમાંથી વારંવાર લોગઆઉટ થઈ રહ્યું હતું અને ફરી લોગઈન કરવાની પ્રક્રિયા લાંબી બની ગઈ હતી. એપ સ્ટોર પર એપ્સ ડાઉનલોડ કરવામાં તકલીફ પડી રહી હતી, જ્યારે એપલ પે દ્વારા ડિજિટલ પેમેન્ટ અટકી પડ્યું હતું. એપલ મ્યુઝિક સ્ટ્રીમિંગ પણ બંધ થઈ ગયું હતું. નવું ડિવાઈસ ખરીદીને એક્ટિવેટ કરવા માંગતા ગ્રાહકો અટવાયા હતા, અને ડેવલપર્સ માટેનું 'એપલ સ્ટોર કનેક્ટ' પણ ઠપ થઈ જતાં પ્રોજેક્ટ્સને અસર થઈ હતી.
આ છેલ્લા એક સપ્તાહમાં ચોથો મોટો ટેક્નિકલ આઉટેજ છે. ગત ગુરુવારે માઈક્રોસોફ્ટની સેવાઓમાં મોટો બ્રેકડાઉન થયો હતો, ત્યારબાદ એરલાઈન્સની કમ્યુનિકેશન સિસ્ટમ ડાઉન થઈ હતી અને મંગળવારે અમેરિકન બેંકિંગ સિસ્ટમમાં પણ અવરોધ ઊભો થયો હતો. હવે એપલની સેવાઓ ખોરવાઈ જતાં સાયબર નિષ્ણાંતોમાં ચિંતા વ્યાપી છે.
ઘટનાના થોડા સમય બાદ એપલના ઈજનેરોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી, જેના પરિણામે ધીમે-ધીમે સેવાઓ પુનઃસ્થાપિત થઈ રહી છે અને યુઝર્સ પોતાના ફોનનો સામાન્ય રીતે ઉપયોગ કરી શકી રહ્યા છે. જોકે, એપલ તરફથી આ ખામી પાછળનું ચોક્કસ કારણ કે સત્તાવાર નિવેદન હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી.