નવી દિલ્હી: સ્માર્ટફોન બજારમાં એપલની આગામી પ્રોડક્ટ્સ અંગે લોકોમાં હંમેશા ઉત્સુકતા રહે છે. તાજેતરમાં એપલની વાર્ષિક ઇવેન્ટ 9 સપ્ટેમ્બરે યોજાવાની છે, તે પહેલાં એપલના પ્રથમ ફોલ્ડેબલ આઇફોનની કિંમત લીક થઈ છે. આ ફોન આઇફોનની 20મી વર્ષગાંઠ નિમિત્તે રજૂ થઈ શકે છે, જેનું નામ 'આઇફોન અલ્ટ્રા' હોવાની શક્યતા છે.
સૂત્રો અનુસાર, આ ફોન ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. 256GB મોડેલની કિંમત આશરે $2,299 (ભારતીય રૂપિયામાં લગભગ 2,17,000) હોઈ શકે છે. 512GB વેરિઅન્ટની કિંમત $2,499 (લગભગ 2,36,000 રૂપિયા) અને 1TB વેરિઅન્ટ $2,799 (લગભગ 2,64,000 રૂપિયા) હોઈ શકે છે. જોકે, કંપની તરફથી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ ઉપરાંત, 'યોર ટેક ગાય' નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ફોનનો કન્સેપ્ટ પ્રોમો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ફોનની ડિઝાઇન જોઈ શકાય છે, જેમાં કેમેરા આડા ગોઠવાયેલા છે અને ગોળાકાર ખૂણાઓ છે. આ ડિઝાઇન સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 8 જેવી લાગે છે, પરંતુ કેમેરાની ગોઠવણી અલગ છે.
ફોનની વિશેષતાઓમાં અંડર-ડિસ્પ્લે સેલ્ફી કેમેરાનો સમાવેશ થાય છે, જેથી નૉચ અથવા કૅમેરા હોલ નહીં રહે. ડિસ્પ્લે ફોલ્ડ કરવાથી ક્રીઝ (કરચલી) નહીં આવે અને હિન્જ વચ્ચે ગેપ નહીં રહે. ફોનમાં 7.8 ઇંચની મુખ્ય ફોલ્ડેબલ ડિસ્પ્લે અને એપલની A20 Pro ચિપસેટ હશે. પાવર માટે ડ્યુઅલ બેટરી સેલ અને ચાર્જિંગ માટે USB ટાઇપ-C પોર્ટ આપવામાં આવશે.
આ ઇવેન્ટમાં આઇફોન 18 પ્રો અને આઇફોન 18 પ્રો મેક્સ પણ લોન્ચ થઈ શકે છે, જ્યારે સ્ટાન્ડર્ડ આઇફોન 18 અને આઇફોન એર 2 આવતા વર્ષની શરૂઆતમાં બજારમાં આવે તેવી ધારણા છે. જોકે, લીક થયેલી માહિતીની સત્તાવાર પુષ્ટિ બાકી છે.