એપલ તેની વાર્ષિક ઇવેન્ટમાં 9 સપ્ટેમ્બરે સ્ટાન્ડર્ડ આઇફોન 18 લોન્ચ નહીં કરે. તેના બદલે આ ઇવેન્ટમાં ત્રણ પ્રીમિયમ ડિવાઇસ રજૂ થવાની અપેક્ષા છે: આઇફોન 18 પ્રો, આઇફોન 18 પ્રો મેક્સ અને કંપનીનો પહેલો ફોલ્ડેબલ આઇફોન. આ નિર્ણય પાછળ મુખ્ય કારણ મેમરી ચિપની કિંમતમાં થયેલો ભારે વધારો છે.
માર્કેટ રિસર્ચ ફર્મ ટ્રેન્ડફોર્સના રિપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષમાં 256GB મેમરી ચિપની કિંમતમાં બબ્બે ગણાથી વધુ એટલે કે લગભગ 400%નો વધારો થયો છે. પરિણામે, 256GB સ્ટોરેજવાળા આઇફોન 18 પ્રોના ઉત્પાદનનો એકંદર ખર્ચ અગાઉના મોડેલ આઇફોન 17 પ્રોની સરખામણીમાં લગભગ 38% વધી ગયો છે.
આ ખર્ચના દબાણને કારણે એપલ પ્રો મોડેલ માટે તો સહન કરી શકે છે, કારણ કે પ્રો ગ્રાહકો વધારે કિંમત ચૂકવવા તૈયાર હોય છે. પરંતુ બેઝ મોડેલમાં ખર્ચ વધવો એ કંપનીના નફા અને ગ્રાહકો પર સીધી અસર કરે છે. તેથી જ એપલે બેઝ મોડેલ લોન્ચ કરવાનું ટાળ્યું છે.
2025માં 256GB પ્રો મોડલના કુલ કમ્પોનન્ટ ખર્ચમાં મેમરીનો હિસ્સો 10% હતો, જે 2026માં વધીને 34% થયો છે. અંદાજ છે કે 2027 સુધીમાં તે 40%થી વધુ થઈ જશે.
આ ઘટનાને કારણે બે સ્ટાન્ડર્ડ આઇફોન વચ્ચે લગભગ 18 મહિનાનો સમયગાળો આવી જશે. એપલ દર વર્ષે સપ્ટેમ્બરમાં નવો બેઝ આઇફોન રજૂ કરે છે, પણ આ વખતે આઇફોન 18 માટે 2027ની શરૂઆત સુધી રાહ જોવી પડશે. કંપનીના ઇતિહાસમાં આ સૌથી લાંબો સમયગાળો હશે.
આઇફોન 18 ઉપરાંત, આઇફોન 18e અને સેકન્ડ જનરેશન આઇફોન એરને પણ 2027 સુધી મુલતવી રાખવામાં આવ્યા છે. જોકે, ઓક્ટોબર-નવેમ્બરમાં આઇપેડ મિની, અપડેટેડ એપલ ટીવી અને હોમપોડ મિની આવી શકે છે. મેક લાઇનઅપમાં M6 ચિપ સાથેનો 14-ઇંચનો મેકબુક પ્રો, નવા રીડિઝાઇન કરેલા 14 અને 16-ઇંચના મેકબુક પ્રો અને M6 સાથેનો 24-ઇંચનો આઇમેક પણ 2027ની શરૂઆતમાં આવી શકે છે.
આ ઇવેન્ટની સૌથી મોટી ખાસિયત નેતૃત્વમાં ફેરફાર છે. ટિમ કૂકે 1 સપ્ટેમ્બરે CEO પદ છોડી દીધું છે, અને તેમની જગ્યાએ હાર્ડવેર એન્જિનિયરિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જ્હોન ટર્નસે કાર્યભાર સંભાળ્યો છે. CEO તરીકે ટર્નસની આ પ્રથમ કીનોટ હશે, જેને જોવા માટે આખી દુનિયાની નજર એપલ પાર્ક પર ટકેલી હશે.
આ ઇવેન્ટમાં એપલ તેના નવા 'સિરી AI બીટા'ને સામાન્ય યુઝર્સ માટે રિલીઝ કરવાની જાહેરાત પણ કરી શકે છે. આ બીટાને WWDC 2026માં પહેલીવાર શોકેસ કરવામાં આવ્યો હતો. ઇવેન્ટના આમંત્રણ પોસ્ટરમાં આપવામાં આવેલી નિયોન ગ્લો ઇફેક્ટ નવા સિરી AIના ગ્લો જેવી દેખાય છે, જેને જાણકારો નવા સિરી AIના સંકેત તરીકે જોઈ રહ્યા છે.
9 સપ્ટેમ્બરના કીનોટ પછી એપલ iOS 27, iPadOS 27, macOS ગોલ્ડન ગેટ, tvOS 27, watchOS 27 અને visionOS 27 જેવા નવા સોફ્ટવેર અપડેટ્સના રોલઆઉટની તારીખો જાહેર કરશે. સામાન્ય રીતે આ અપડેટ્સ ઇવેન્ટના એક અઠવાડિયાની અંદર લાઇવ થાય છે.