બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ મુંબઈના પોશ વિસ્તાર વર્સોવામાં યારી રોડ પર બની રહેલા ગોધરેજ સ્કાઈશોર પ્રોજેક્ટમાં આશરે ₹14.9 કરોડમાં લક્ઝરી ફ્લેટ ખરીદ્યો છે. તે 24માં માળે આવેલો છે અને તેનું કુલ ક્ષેત્રફળ આશરે 2,154 ચોરસ ફૂટ છે, જેમાં 2,026 ચોરસ ફૂટ કાર્પેટ એરિયા અને 128 ચોરસ ફૂટ બાલકની તથા ટેરેસની જગ્યા સામેલ છે. આ ફ્લેટ સાથે ત્રણ કાર માટે બેઝમેન્ટ પાર્કિંગ પણ મળ્યું છે અને માટે ₹74.48 લાખ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે. દસ્તાવેજો અનુસાર, આ ફ્લેટ વન-સ્ટોપ બિઝનેસ સર્વિસીસ એલએલપી પાસેથી ખરીદવામાં આવ્યો છે. પ્રોજેક્ટ હજુ નિર્માણાધીન છે અને કરાર મુજબ કબજો જૂન 2031 સુધીમાં મળવાની ધારણા છે. ચુકવણી વિવિધ તબક્કે થશે.
આ ફ્લેટ એ જ માળ પર અનુષ્કા અને તેના પરિવાર દ્વારા ખરીદવામાં આવેલા ત્રણ ફ્લેટમાંથી એક છે. બાકીના બે ફ્લેટમાંથી એક અનુષ્કાના માતા-પિતા આશિમા અજયકુમાર શર્મા અને અજયકુમાર શર્માએ 8 જુલાઈ 2026ના રોજ રજિસ્ટર્ડ કરાવ્યો છે. આ ફ્લેટનું ક્ષેત્રફળ આશરે 1,577 ચોરસ ફૂટ છે, જેમાં 1,478 ચોરસ ફૂટ કાર્પેટ એરિયા અને 99 ચોરસ ફૂટ બાલકની તથા ટેરેસની જગ્યા છે. તેની કિંમત આશરે ₹10.91 કરોડ છે અને માટે ₹65.45 લાખ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે. સાથે બે કાર માટે બેઝમેન્ટ પાર્કિંગ પણ મળ્યું છે.
ત્રીજો ફ્લેટ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ જુલાઈ 2026માં આ જ પ્રોજેક્ટમાં ₹18.29 કરોડમાં ખરીદ્યો હતો. તેનું ક્ષેત્રફળ 2,644 ચોરસ ફૂટ (316 ચોરસ ફૂટ એક્સક્લુઝિવ વિસ્તાર સહિત) છે અને સાથે ત્રણ કાર પાર્કિંગ સ્પેસ મળ્યા છે. રજિસ્ટ્રેશન 21 જુલાઈ 2026ના રોજ થયું, જેમાં ₹1.09 કરોડ સ્ટેમ્પ ડ્યુટી અને ₹30,000 નોંધણી ફી ચૂકવવામાં આવી. કુલ કિંમત અને કાર્પેટ એરિયા પ્રમાણે આ દર લગભગ ₹69,159 પ્રતિ ચોરસ ફૂટ થાય છે.
એક જ માળ પર પરિવારના ત્રણ ફ્લેટની કુલ કિંમત આશરે ₹44.1 કરોડ થાય છે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી તબ્બુએ પણ એપ્રિલ 2026માં આ જ બિલ્ડિંગમાં 2,153 ચોરસ ફૂટનો ફ્લેટ ખરીદ્યો હોવાના અહેવાલ છે.
આ ઉપરાંત, જાન્યુઆરી 2026માં વિરાટ અને અનુષ્કાએ અલીબાગમાં આવાસ બીચ નજીક જીરાડ ગામમાં 5 એકરથી વધુ જમીન આશરે ₹37.86 કરોડમાં ખરીદી હતી. આ ડીલ 21,010 ચોરસ મીટરની બે અડીને આવેલી જમીન પાર્સલની હતી અને 13 જાન્યુઆરી 2026ના રોજ રજિસ્ટર્ડ થઈ હતી. 2022માં પણ આ કપલે અલીબાગમાં આશરે 8 એકર જમીન ₹19 કરોડમાં ખરીદી હતી, જ્યાં તેમણે લક્ઝરી વિલા બનાવ્યો છે. આ વિલામાં ટેમ્પરેચર-કંટ્રોલ્ડ સ્વિમિંગ પૂલ, કસ્ટમ-ડિઝાઇન કિચન, ચાર આધુનિક બાથરૂમ, જેકુઝી, મોટો બગીચો, કવર્ડ પાર્કિંગ અને સ્ટાફ ક્વાર્ટર જેવી સુવિધાઓ છે. વિરાટ કોહલી પાસે ગુરુગ્રામના DLF ફેઝ 1માં આશરે 10,000 ચોરસ ફૂટનો બંગલો પણ છે, જેની અંદાજિત કિંમત ₹80 કરોડ આંકવામાં આવે છે.