સત્ય. સાહસ. સંકલ્પ.

અનુષ્કા શર્મા વિશ્વની ટોપ-5 સૌથી વધુ ફોલો થતી એથ્લેટ પાર્ટનર્સમાં: એકમાત્ર ભારતીય, કિમ કાર્દાશિયન અને ટેલર સ્વિફ્ટ પણ સામેલ

અનુષ્કા શર્મા વિશ્વની ટોપ-5 સૌથી વધુ ફોલો થતી એથ્લેટ પાર્ટનર્સમાં: એકમાત્ર ભારતીય, કિમ કાર્દાશિયન અને ટેલર સ્વિફ્ટ પણ સામેલ

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ વૈશ્વિક સ્તરે સૌથી લોકપ્રિય અને સૌથી વધુ ફોલો કરવામાં આવતી એથ્લેટ પાર્ટનર્સ (WAGs)ની યાદીમાં ચોથું સ્થાન મેળવ્યું છે. મીડિયા પબ્લિકેશન વૅન્ટિક્સ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, અનુષ્કા આ ટોપ-5માં સામેલ થનારી એકમાત્ર ભારતીય છે અને ક્રિકેટ જગતમાંથી પણ એકમાત્ર ચહેરો છે.

આ યાદીમાં કિમ કાર્દાશિયન, પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટ અને ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પત્ની જ્યોર્જિના રોડ્રિગેઝ જેવા મોટા નામો પણ સામેલ છે. અહેવાલ પ્રમાણે, અનુષ્કા માત્ર વિરાટ કોહલીની પાર્ટનર હોવાને કારણે નહીં, પરંતુ પોતાની સ્વતંત્ર ઓળખના આધારે આ યાદીમાં સ્થાન પામી છે. વિરાટ અને અનુષ્કાએ 11 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા.

વૅન્ટિક્સની આ વૈશ્વિક રેન્કિંગમાં ફોર્મ્યુલા 1 રેસર લુઇસ હેમિલ્ટનની પાર્ટનર કિમ કાર્દાશિયન 343 મિલિયન (34.3 કરોડ) ફોલોઅર્સ સાથે પ્રથમ સ્થાને છે. અમેરિકન ફૂટબોલ (NFL) સ્ટાર ટ્રેવિસ કેલ્સની પત્ની અને ગાયિકા ટેલર સ્વિફ્ટ 272 મિલિયન (27.2 કરોડ) ફોલોઅર્સ સાથે બીજા નંબરે છે. ફૂટબોલ લેજેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પત્ની જ્યોર્જિના રોડ્રિગેઝ 78.3 મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા સ્થાને છે.

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા ચોથા સ્થાને છે, જ્યારે બ્રાઝિલિયન ફૂટબોલર વિનિશિયસ જુનિયરની પાર્ટનર વર્જિનિયા ફોન્સેકા 56.5 મિલિયન ફોલોઅર્સ સાથે પાંચમા નંબરે છે. આ યાદીમાં ફૂટબોલ ખેલાડીઓની પત્નીઓ અને પાર્ટનર્સનું વર્ચસ્વ વધુ છે, પરંતુ સમગ્ર ક્રિકેટ જગતમાંથી માત્ર અનુષ્કા શર્મા જ ટોપ-5માં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે.

વૅન્ટિક્સના અહેવાલ મુજબ, આ યાદીમાં સામેલ 22 વૈશ્વિક સેલિબ્રિટીઝ પાસે કુલ 1.21 અબજ (1.21 બિલિયન)થી વધુ ફોલોઅર્સ છે. ફૂટબોલ ક્ષેત્રમાંથી સૌથી વધુ 11 મહિલાઓને સ્થાન મળ્યું છે, જેમના કુલ 341.3 મિલિયન ફોલોઅર્સ છે. જોકે, પહોંચના મામલે અમેરિકન ફૂટબોલ સૌથી આગળ રહ્યું, જ્યાં 5 મહિલાઓના મળીને 376.5 મિલિયન ફોલોઅર્સ નોંધાયા. એફ-1 રેસિંગનું પ્રતિનિધિત્વ એકલા કિમ કાર્દાશિયને તેમના 343 મિલિયન ફોલોઅર્સના આધારે સંભાળ્યું.

વૅન્ટિક્સે સ્પષ્ટ કર્યું છે કે WAGs (વાઇવ્સ એન્ડ ગર્લફ્રેન્ડ્સ) શબ્દની શરૂઆત ભલે ફૂટબોલ ખેલાડીઓની પત્નીઓ સાથે જોડાયેલી સેલિબ્રિટી સંસ્કૃતિ તરીકે થઈ હતી, પરંતુ હવે તેનો વ્યાપ ઘણો બદલાઈ ગયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ યાદીમાં સામેલ મહિલાઓ માત્ર પોતાના એથ્લીટ પાર્ટનર્સને કારણે જ જાણીતી નથી. તેઓ પોતે જ પ્રખ્યાત પોપ સ્ટાર, બિઝનેસવુમન, અભિનેત્રી અથવા ક્રિએટર છે, જેમણે પોતાના પાર્ટનર સાથે જોડાતા પહેલાં જ સ્વતંત્ર ઓળખ અને મોટી ફેન ફોલોઇંગ બનાવી લીધી હતી.