બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ વિશ્વની સૌથી વધુ ફોલો કરવામાં આવતી એથ્લેટ પાર્ટનર્સની યાદીમાં ચોથું સ્થાન મેળવ્યું છે. મીડિયા પબ્લિકેશન 'વેન્ટિક્સ'ના અહેવાલ મુજબ, આ ટોપ-5 યાદીમાં સ્થાન મેળવનારી તેઓ એકમાત્ર ભારતીય છે અને ક્રિકેટ જગતમાંથી પણ એકમાત્ર ચહેરો છે.
આ યાદીમાં અનુષ્કા ઉપરાંત અમેરિકન રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દાશિયન, પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટ અને ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પત્ની જ્યોર્જિના રોડ્રિગેઝ જેવી જાણીતી હસ્તીઓનો સમાવેશ થાય છે.
કિમ કાર્દાશિયન ફોર્મ્યુલા 1 રેસર લુઇસ હેમિલ્ટનની પાર્ટનર છે અને 343 મિલિયન (34.3 કરોડ) ફોલોઅર્સ સાથે તેઓ પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને અમેરિકન ફૂટબોલ (NFL) સ્ટાર ટ્રેવિસ કેલ્સની પત્ની અને ગાયિકા ટેલર સ્વિફ્ટ 272 મિલિયન (27.2 કરોડ) ફોલોઅર્સ સાથે છે. ફૂટબોલ લેજેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પત્ની જ્યોર્જિના રોડ્રિગેઝ 78.3 મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા ક્રમે છે.
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા ચોથા સ્થાને છે. બ્રાઝિલિયન ફૂટબોલર વિનિશિયસ જુનિયરની પાર્ટનર વર્જિનિયા ફોન્સેકા 56.5 મિલિયન ફોલોઅર્સ સાથે પાંચમા નંબરે છે. આ યાદીમાં ફૂટબોલ ખેલાડીઓની પત્નીઓ અને પાર્ટનર્સનું વર્ચસ્વ વધુ છે, પરંતુ ક્રિકેટમાંથી માત્ર અનુષ્કા જ ટોપ-5માં પહોંચી છે.
વેન્ટિક્સના અહેવાલ મુજબ, આ યાદીમાં સામેલ 22 સેલિબ્રિટીઝ પાસે કુલ 1.21 અબજથી વધુ ફોલોઅર્સ છે. ફૂટબોલ ક્ષેત્રમાંથી સૌથી વધુ 11 મહિલાઓને સ્થાન મળ્યું છે, જેમના કુલ 341.3 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે અમેરિકન ફૂટબોલની 5 મહિલાઓના મળીને 376.5 મિલિયન ફોલોઅર્સ છે. એફ-1 રેસિંગનું પ્રતિનિધિત્વ એકલા કિમ કાર્દાશિયને તેમના 343 મિલિયન ફોલોઅર્સના આધારે કર્યું છે.
અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે WAGs (વાઇવ્સ એન્ડ ગર્લફ્રેન્ડ્સ) શબ્દની શરૂઆત ફૂટબોલ ખેલાડીઓની પત્નીઓ સાથે જોડાયેલી સેલિબ્રિટી સંસ્કૃતિ તરીકે થઈ હતી, પરંતુ હવે તેનો વ્યાપ બદલાઈ ગયો છે. આ યાદીમાં સામેલ મહિલાઓ માત્ર તેમના એથ્લેટ પાર્ટનર્સને કારણે જાણીતી નથી, પરંતુ તેઓ પોતે જ પ્રખ્યાત પોપ સ્ટાર, બિઝનેસવુમન, અભિનેત્રી અથવા ક્રિએટર છે. તેમણે પોતાના પાર્ટનર સાથે જોડાતા પહેલાં જ સ્વતંત્ર ઓળખ અને મોટી ફેન ફોલોઇંગ બનાવી લીધી હતી. અનુષ્કા શર્મા વિરાટ કોહલી સાથે લગ્ન (11 ડિસેમ્બર 2017) પહેલાંથી જ જાણીતી અભિનેત્રી છે.