મુંબઈના ચેંબુર વિસ્તારમાં 'દિલ્હી સે' નામની નાની રેસ્ટોરન્ટ ચલાવતા બે ભાઈઓ જસપાલ સિંહ ખાલસા અને મહિન્દર સિંહ ખાલસાનું જીવન એક સોશિયલ મીડિયા પોસ્ટથી બદલાઈ ગયું છે. કોરોના મહામારી અને આર્થિક મંદીના કારણે તેમનો ધંધો ભારે ખોટમાં જતો રહ્યો હતો અને લગભગ 18 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. પરિસ્થિતિ એવી હતી કે તેઓ રેસ્ટોરન્ટ બંધ કરવાનું વિચારી રહ્યા હતા.
સપ્ટેમ્બર 2022માં સ્ટેન્ડ-અપ કોમેડિયન અભિષેક ઉપમન્યુ તેમની રેસ્ટોરન્ટમાં આવ્યા અને છોલે-ભટુરે ખાધા બાદ ઇન્સ્ટાગ્રામ પર તેની પ્રશંસા કરતી પોસ્ટ શેર કરી. તે સમયે બંને ભાઈઓ અભિષેકને ઓળખતા નહોતા, પરંતુ એક-બે દિવસમાં જ ગ્રાહકોની સંખ્યા વધવા લાગી. સાચો વળાંક 5 ઓક્ટોબર, 2022ના રોજ આવ્યો, જ્યારે અનુષ્કા શર્માના ઘરથી ફોન આવ્યો અને જુહુ ખાતે બે પ્લેટ છોલે-ભટુરે મોકલવાની વિનંતી કરવામાં આવી.
એક પ્લેટના 120 રૂપિયા લેખે કુલ 240 રૂપિયાનો ઓર્ડર હતો, જ્યારે જુહુ સુધી આવવા-જવાનો ખર્ચ આશરે 400 રૂપિયા થતો હતો. જસપાલે જ્યારે ખર્ચ અંગે શંકા વ્યક્ત કરી, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે વધારાના પૈસા ચૂકવી દેવામાં આવશે. પરંતુ જ્યારે કોલ કરનારે પેમેન્ટ માટે બેંક ડિટેલ્સ માંગી, ત્યારે જસપાલને શંકા ગઈ. તેમણે તેમના ભાઈ મહિન્દરને જણાવ્યું કે એક મહિલા વારંવાર ફોન કરીને બેંક ડિટેલ્સ માંગી રહી છે, જેના કારણે તેમને એકાઉન્ટ હેક થવાનો ડર લાગ્યો, કારણ કે ખાતામાં પહેલેથી જ નેગેટિવ બેલેન્સ હતું.
લગભગ 10 વખત ફોન આવ્યા બાદ જ્યારે કોલ કરનારે સ્પષ્ટ કર્યું કે તે વિરાટ કોહલીના ઘરથી બોલી રહી છે, ત્યારે જસપાલે કહ્યું, 'પ્લીઝ આવી મજાક ન કરો, ચેંબુરમાં નાની દુકાન ચલાવનારાઓ સાથે વિરાટ કોહલીનું શું કામ?' પરંતુ સામેથી કહેવામાં આવ્યું કે તમારે મારો વિશ્વાસ કરવો પડશે. આખરે ઓર્ડર ફાઇનલ થયો અને બંને ભાઈઓએ જુહુ ખાતે છોલે-ભટુરે પહોંચાડ્યા.
ઓર્ડર પૂરો કરીને પાછા ફર્યા બાદ તેમને ફરી ફોન આવ્યો અને પૂછવામાં આવ્યું કે તેઓ ઇન્સ્ટાગ્રામ વાપરે છે કે નહીં અને અનુષ્કા કે વિરાટને ફોલો કરે છે કે નહીં. ત્યારબાદ તેમને અનુષ્કાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની લિંક મોકલવામાં આવી, જેમાં અનુષ્કાએ લખ્યું હતું કે 'આજે અમારા ઘરમાં મોટો દિવસ છે' અને છોલે-ભટુરેની પ્રશંસા કરી હતી. આ પોસ્ટ વાયરલ થતાં જ અડધા કલાકમાં રેસ્ટોરન્ટ બહાર ગ્રાહકોની લાંબી લાઈન લાગી ગઈ.
આ ઘટનાને ચાર વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આજે જસપાલ અને મહિન્દર સિંહ ખાલસા ચાર આઉટલેટ ચલાવે છે અને તેમની વાર્ષિક આવક આશરે 2 કરોડ રૂપિયા થઈ છે. એક સમયે 18 લાખના દેવામાં ડૂબેલા આ પરિવારની કહાણી સોશિયલ મીડિયાની સકારાત્મક અસરનું ઉદાહરણ બની છે.