સત્ય. સાહસ. સંકલ્પ.

અનુરાગ કશ્યપ સામે સુરત કોર્ટનું વોરંટ: બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ ટ્વીટ કેસમાં ગેરહાજર

અનુરાગ કશ્યપ સામે સુરત કોર્ટનું વોરંટ: બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ ટ્વીટ કેસમાં ગેરહાજર

સુરતની અદાલતે બોલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ વોરંટ ઇશ્યુ કર્યું છે. સોશિયલ મીડિયા પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કથિત અભદ્ર ટિપ્પણી કરવાના મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટે અગાઉ સમન્સ પાઠવ્યા હતા અને વર્તમાનપત્રમાં જાહેર નોટિસ દ્વારા સમન્સ બજાવવામાં આવ્યા હતા, તેમ છતાં કશ્યપ સુનાવણીમાં ગેરહાજર રહ્યા હતા.

આ કેસની વિગતો અનુસાર, ગત વર્ષે અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સમાજ વિરુદ્ધ આપત્તિજનક નિવેદન કર્યું હતું, જે અંગે તેમણે જાહેરમાં માફી માંગી ન હતી. જેથી તેમની સામે સુરત કોર્ટમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોર્ટે ગુનો નોંધી સમન્સ જારી કર્યા છતાં તેઓ હાજર ન થતાં કોર્ટના આદેશ મુજબ 5 સપ્ટેમ્બરના રોજ મુંબઈના ન્યૂઝપેપરમાં સમન્સની બજવણી કરવામાં આવી હતી. તેમ છતાં આજરોજ તેઓ કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટે તેમની વિરુદ્ધ વોરંટ ઇશ્યુ કરી આગામી સુનાવણી 24 ડિસેમ્બરના રોજ નિયત કરી છે.

આ સમગ્ર કાનૂની કાર્યવાહી અંગે માહિતી આપતાં ફરિયાદી અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી કમલેશ રાવલે જણાવ્યું હતું કે, "હું સુરત ખાતે છેલ્લા 34 વર્ષથી વકીલાત કરું છું. ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ દ્વારા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી અને તેમણે માફી પણ માંગી ન હતી. જેથી મેં સુરત ખાતે ફરિયાદ નોંધાવી હતી, જેમાં નામદાર ટ્રાયલ કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યો હતો. આગામી 24 ડિસેમ્બરના રોજ સુનાવણી રાખી છે."

આ કેસની વિગતો મુજબ, 19 માર્ચ 2025ના રોજ ફિલ્મ જગતમાં મોટી પ્રસિદ્ધિ ધરાવતા અનુરાગ કશ્યપે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બ્રહ્મ સમાજ અને બ્રાહ્મણોને નિશાન બનાવીને અત્યંત ઘૃણાસ્પદ ટ્વિટ કર્યું હતું, જેને લઈને સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આ ટ્વિટના જવાબમાં આદિત્ય દત્તા નામના એક જાગૃત નાગરિકે અનુરાગ કશ્યપને આ પોસ્ટ તાત્કાલિક ડિલિટ કરવા અને મર્યાદા જાળવવા જણાવ્યું હતું. જોકે, કશ્યપે નમ્રતા દાખવવાને બદલે ભારે ગુસ્સો ઠાલવ્યો હતો અને ટ્વિટર પર જાહેરમાં ગાળ લખીને વળતો જવાબ આપ્યો હતો.